CREDAI-MCHI તરફથી નાણાપ્રધાન પાસે શું માગણી કરવામાં આવી છે એના વિશે વાત કરે છે સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતા
CREDAI-MCHIના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતા
કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન્સ ઑફ ઇન્ડિયા (CREDAI) - મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (MCHI) તરફથી કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને ડેવપલપરો પરનો બોજ ઓછો કરવા માટે GSTના માળખામાં ફેરફાર કરવાની માગણી કરવામાં આવી છે. ખાસ કરીને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં આપવામાં આવતા ફ્લૅટ પરથી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) દૂર કરવામાં આવે એવી તેમની માગણી છે. GSTના દરોમાં સુધારા કરવા માટે આજે અને આવતી કાલે બે દિવસ GST કાઉન્સિલની મીટિંગ યોજાવાની શક્યતા છે.
આ બાબતની માહિતી આપતાં CREDAI-MCHIના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી નાણાપ્રધાન પાસે તાજેતરની માગણીઓ મુંબઈ અને થાણેના ડેવલપમેન્ટ રાઇટ્સના કરવેરાની સ્પષ્ટતા પર કેન્દ્રિત છે. અમે ઇચ્છીએ છીએ કે રિયલ એસ્ટેટ માટેના GST માળખામાં સુગમતા પૂરી પાડવામાં આવે. અમે માગણી કરી છે કે GST કાઉન્સિલ ડેવલપમેન્ટ રાઇટ્સને સ્થાવર મિલકત તરીકે ફરીથી વર્ગીકૃત કરે. વેચાણ પરના વર્તમાન પાંચ ટકા GST અને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR) પર ૧૮ ટકાની કૅસ્કેડિંગ અસરને નાબૂદ કરે. ઘર ખરીદનારાઓ માટે ખર્ચ ઘટાડવા માટે ડેવલપરોને સસ્તા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે વિવિધ GST દરો (જેમ કે ઇનપુટ ટૅક્સ ક્રેડિટ સાથે ૧૨ ટકા અથવા ઇનપુટ ટૅક્સ ક્રેડિટ વિના પાંચ ટકા) વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપે તેમ જ અત્યારે ૪૫ લાખ રૂપિયાની કિંમતના અફૉર્ડેબલ હાઉસિંગ પર એક ટકા GST લાગુ થઈ રહ્યો છે જે મુંબઈ અને થાણેમાં શક્ય નથી એટલે હાલની ૪૫ લાખ રૂપિયાની મર્યાદાને વધારીને ૭૫ લાખ રૂપિયા કરવી જોઈએ. અમે રીડેવલપમેન્ટ કરતી વખતે ફ્લૅટ-ઓનરને એની ૬૦૦ સ્ક્વેર ફુટની જગ્યા સામે ૭૫૦ સ્ક્વેર ફુટ જગ્યા આપીએ છીએ. અત્યારના GST કાઉન્સિલ ૭૪૦ સ્ક્વેર ફુટ જેની રેક્નર-વૅલ્યુ ૨૦,૦૦૦ હોય તો દોઢ કરોડ રૂપિયાની જગ્યા પર પાંચ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લગાડે છે. અમે માગણી કરી છે કે એ પાંચ ટકા GST ન લગાડો જેથી ડેવલપર પર બોજો ન વધે, કારણ કે એ બોજો ડેવલપર પર વધતો નથી, પણ જે-તે ફ્લૅટ-ઓનરને એનાથી નુકસાન થાય છે.


