ચકલીનો જીવ બચાવવા જતાં મહાલક્ષ્મીમાં નોકરી કરતી મૅનેજરે સાઇબર ફ્રૉડમાં ૯૯,૯૮૮ રૂપિયા ગુમાવ્યા : એ પછી પણ સમયસર સારવાર ન મળતાં ચકલીને તે બચાવી ન શકી
પ્રતીકાત્મક તસવીર
મહાલક્ષ્મીમાં નોકરી કરતી ૩૦ વર્ષની એક યુવતીએ પોતાની ઑફિસમાં એક જખમી ચકલી જોઈ હતી. એનો જીવ બચાવવા માટે તેણે ગૂગલ પર સર્ચ કરીને ઍનિમલ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. એ દરમ્યાન તેને સામેથી એક યુવકનો ફોન આવ્યો હતો, જેણે ઍનિમલ સંસ્થામાંથી બોલતો હોવાનું જણાવીને યુવતીને એક લિન્ક મોકલી હતી. એ ઓપન કરતાં થોડા કલાકમાં જ તેના અકાઉન્ટમાંથી ૯૯,૯૮૮ રૂપિયા કપાઈ ગયા હતા. પોતે સાઇબર ફ્રૉડનો શિકાર બની હોવાનું જણાતાં તેણે મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીને દુઃખ એ વાતનું વધુ લાગ્યું હતું કે આ સાઇબર ગઠિયાઓએ પક્ષીના ઇલાજ માટે કોઈ ટીમ મોકલી નહોતી એટલે ચકલી મરી ગઈ.
સાઉથ બૉમ્બે વિસ્તારમાં રહેતી અને મહાલક્ષ્મીમાં ફેમસ સ્ટુડિયોમાં મૅનેજર તરીકે નોકરી કરતી ૩૦ વર્ષની ધ્વનિ રાજેશ મહેતાએ જણાવ્યા મુજબ ૨૧ મેએ સવારે ઑફિસમાં આવી ત્યારે નવી જન્મેલી એક ચકલી બીમાર હાલતમાં જોવા મળી હતી. માનવતાની દૃષ્ટિએ એની સારવાર માટે તેણે ગૂગલ પર સર્ચ કરીને પક્ષીપ્રેમી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. દરમ્યાન તેને એક વ્યક્તિએ પોતે ઍનિમલ સંસ્થામાંથી બોલતો હોવાનું કહીને એક લિન્ક મોકલીને ફૉર્મ ભરવાનું કહ્યું હતું. એની સાથે એક રૂપિયો ભરવાનું કહેવામાં આવ્યું હતું એટલે ધ્વનિએ એક રૂપિયો ગૂગલ પેના માધ્યમથી ભરી દીધો. એ પછી એક કલાકમાં અમારી ટીમ આવી પહોંચશે એમ કહેવામાં આવ્યું. જોકે એ દિવસે કોઈ ટીમ ચકલીની સારવાર માટે આવી નહોતી અને સાંજે એ મરી ગઈ હતી. ધ્વનિ રાતે ટ્રેનમાં ઘરે જઈ રહી હતી ત્યારે તેના અકાઉન્ટમાંથી ૯૯,૯૮૮ રૂપિયા કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં તેણે મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ધ્વનિ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ચકલીને જોઈ ત્યારે મને એના પર ખૂબ દયા આવી હતી. એનો જીવ બચાવવા માટે મેં ગૂગલ પર પ્રાણી-પક્ષી સંસ્થાનો નંબર શોધવાની કોશિશ કરી હતી, જેમાં હું સાઇબર ફ્રૉડનો શિકાર બની હતી. આ પૈસા મારા માટે મહત્ત્વના હતા. વર્ષોથી થોડા-થોડા કરી મેં એ રૂપિયા ભેગા કર્યા હતા. મેં લિન્ક પર આપેલું ફૉર્મ ભર્યા પછી મને એક કલાકમાં ઍનિમલ ટીમ આવશે એમ કહેવામાં આવ્યું હતું. આશરે બે કલાક સુધી કોઈ ટીમ ન આવતાં મેં તેને પાછો ફોન કર્યો તો તેણે કહ્યું કે અમારી ટીમ એક પાગલ કૂતરાને પકડવા ગઈ છે. થોડી વારમાં આવશે એટલે મોકલીશું, પણ રાત સુધી કોઈ ટીમ આવી નહોતી.’
મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની ફરિયાદ અમે નોંધી છે. જોકે આ બનાવ એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે એટલે આ ફરિયાદ ત્યાં ટ્રાન્સફર કરી છે.’

