રાહુલ ગાંધીના વિધાન બાદ રાજ્યની રાજનીતિમાં આવ્યો જબરદસ્ત ગરમાટો ઃ રાજ ઠાકરેએ પાર્ટીના કાર્યકરોને એમએનએસ સ્ટાઇલમાં કૉન્ગ્રેસના નેતાને જવાબ આપવા કહ્યું

ગઈ કાલે અકોલામાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વીર સાવરકરે આ પત્ર અંગ્રેજોને લખ્યો હતો.
મુંબઈ : રાહુલ ગાંધીના સાવરકર સંદર્ભના વક્તવ્યને રાજ ઠાકરેએ પણ ગંભીરતાથી લઈને રાજ્યભરના એમએનએસના કાર્યકરોને શેગાંવ પહોંચવાનું આહવાન કર્યું છે. આજે રાહુલ ગાંધી શેગાંવ પહોંચવાના છે ત્યારે તેમને ત્યાં જઈને જવાબ આપવાનું આહવાન રાજ ઠાકરેએ તેમના એમએનએસના સૈનિકોને કર્યું છે. એમએનએસની પ્રતિક્રિયા આપતાં એના નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી તરફથી જે રીતે વીર સાવરકરનું અપમાન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે એ કોઈને પણ માન્ય ન હોય એવું છે અને આ બધું રોકવાની જરૂર છે. એથી અમારા રાજ્યભરના એમએનએસના સૈનિકો આજે શેગાંવ પહોંચશે અને અમે સભાસ્થળે જઈને અમારી રીતે વિરોધ નોંધાવીશું. એમએનએસની વિરોધ નોંધાવવાની એક ખાસ સ્ટાઇલ છે. આ વખતે અમે કંઈ માત્ર કાળા ઝંડા બતાવવાના નથી. અમારો વિરોધ કેવો હોય છે એ બધાને જોવા મળશે. અમે કાયદો-વ્યવસ્થા ખોરવવા નથી માગતા, પણ જો તમે તમારા મોં પર કન્ટ્રોલ ન રાખી શકો તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી બને છે. તમે મહારાષ્ટ્રમાં આવો છો અને અમારા મહાનુભાવ વિશે એલફેલ બોલો છો એ અમે સહન નહીં કરીએ. જો તમે આ જ રીતે સાવરકરનું અપમાન કરશો તો તમને ચોક્કસ પાઠ ભણાવવામાં આવશે.’
આની સામે કૉન્ગ્રેસે પણ કહ્યું છે કે અમારા એનએસયુઆઈના કાર્યકરો એમએનએસને જવાબ આપવા તૈયાર છે અને અમારા નેતાએ જે પણ કહ્યું છે એના પુરાવા છે.
ભારત જોડો યાત્રા પર નીકળેલા અને હાલ મહારાષ્ટ્રમાં પદયાત્રા કરી રહેલા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ફરી એકવાર વિધાન કર્યું હતું કે વીર સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી. તેઓ બે- ત્રણ વર્ષ આંદામાનની જેલમાં રહ્યા હતા અને ત્યાંથી અંગ્રેજોને દયાની અરજી કરતા હતા. એટલું જ નહીં, તેમણે એક કાગળ પત્રકારોને દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે એ કાગળ વીર સાવરકરે અંગ્રેજોને લખ્યો હતો. એમાં તેમણે વીર સાવરકરે સહી કરતાં પહેલાં લખેલી છેલ્લી લાઇન વાંચી સંભળાવી હતી. એમાં એમ લખ્યું હતું કે ‘આઇ બૅગ ટુ રિમેઇન યૉર મોસ્ટ ઓબિડિયન્ટ સર્વન્ટ’ (હું કાયમ માટે તમારો કહ્યાગરો બનીને રહેવા તૈયાર છું). રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ મારું વ્યક્તિગત માનવું છે કે વીર સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી. ગાંધીજી, નેહરુજી, સરદાર પટેલજી બધા જ વર્ષો સુધી જેલમાં રહ્યા; પણ ક્યારેય કોઈ પત્ર પર સહી નથી કરી, જ્યારે સાવરકર અંગ્રેજોથી ડરતા હતા એટલે તેમણે એ પત્ર પર સહી કરી. જો તેઓ અંગ્રેજોથી ડરતા ન હોત તો એ પત્ર પર ક્યારેય સહી ન કરી હોત.’
આમ કરીને તેમણે એ વખતે દેશના ગાંધીજી, સરદાર પટેલ જેવા જે નેતાઓ હતા એ બધાને ધોકો અને છેહ આપ્યો. ઉપરાંત તેમણે ગાંધીજી અને અન્યોને એવું જતાવવાનો પ્રયાસ કર્યો કે તમે જે કરો છો એ ખોટું છે અને તમારે પણ સહી કરી દેવી જોઈએ. એ પછી તેમણે રાજ્ય સરકારને પડકાર ફેંકીને એમ પણ કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો ભારત જોડો યાત્રા રોકીને બતાવો.
રાહુલ ગાંધીના વ્યક્તવ્યને લઈને બબાલ મચી ગઈ છે. બીજેપીએ તો એનો જોરદાર વિરોધ કર્યો જ છે, પણ રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકારના સાથી પક્ષ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ આ સંદર્ભે બહુ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીના એ નિવેદન સાથે સહમત નથી અને તેમને વીર સાવરકર પ્રત્યે બહુ જ માન અને આદર છે. જોકે તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સમર્થન આપ્યું હતું. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાહુલ ગાંધી બેશરમ બની જુઠ્ઠું બોલી રહ્યા છે.
શિવસેનાના સંસદસભ્ય અને હવે એકનાથ શિંદે જૂથમાં જોડાયેલા રાહુલ શેવાળેએ રાહુલ ગાંધીના વીર સાવરકર વિશેના આ નિવેદનને વખોડી નાખીને તેમની ભારત જોડો યાત્રા જ બંધ કરાવી દેવી જોઈએ એવી પ્રતિક્રિયા આપી ત્યારે કૉન્ગ્રેસનાં નેતા અને ગઈ સરકારમાં પ્રધાન રહી ચૂકેલાં યશોમતી ઠાકુરે રાહુળ શેવાળેને નિશાન બનાવી કહ્યું હતું કે જેનું કોઈ વર્તમાન કે ભવિષ્ય ન હોય તેણે ઇતિહાસ પર કોઇ કમેન્ટ ન કરવી જોઈએ.
બીજેપી ઉદ્ધવ ઠાકરેના રાહુલ ગાંધી બદલના કૂણા વલણ પર બહુ જ આક્રમક બની છે. એણે ઉદ્ધવ ઠાકરેનો એક જૂનો વિડિયો રિલીઝ કર્યો છે. એમાં રાહુલ ગાંધીએ વીર સાવરકરને ડરપોક કહ્યા હતા. ત્યારે ઉદ્ધવ ઠાકરે એમ કહે છે કે વીર સાવરકરને ડરપોક કહ્યા એ વખતે નાલાયક રાહુલ ગાંધીને જોડાથી મારવા જોઈએ એમ કહેનારો હું એકલો હતો. એની સાથે જ બીજેપીએ હાલ રાહુલ ગાંધીની યાત્રામાં સાથ આપનાર આદિત્ય ઠાકરે રાહુલ ગાંધીને ભેટતા હોવાનો ફોટો પણ રિલીઝ કર્યો છે અને કહ્યું છે કે તમે રાહુલ ગાંધીને જોડા મારવા નીકળ્યા હતા અને હવે તેમના ગળે મળી રહ્યા છો.
મુંબઈ બીજેપીના અધ્યક્ષ આશિષ શેલારે ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવતાં કહ્યું હતું કે જે પોતાના પિતાના વિચારોને અને આદર્શોને ભૂલી જઈ શકે છે તે ઇતિહાસ ભૂલી જાય એમાં કોઈ નવાઈ ન કહેવાય. ઉદ્ધવ ઠાકરેએ એમ કહ્યું હતું કે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી ત્યારે આરએસએસ હતો જ નહીં અને એનું આઝાદીની લડાઈમાં કોઈ જ યોગદાન નહોતું. આશિષ શેલારે પત્રકાર પરિષદ લઈને આનો વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેને ઇતિહાસની જાણ નથી. અમે તેમને પુસ્તકો આપીશું જે તેઓ વાંચે. આરએસએસના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવાર સ્વતંત્રતાની લડત વખતે ઍક્ટિવ હતા. એટલું જ નહીં, મહાત્મા ગાંધીએ આરએસએસની શાખામાં પણ હાજરી આપી હતી અને તેમના વિદર્ભના પ્રવાસ વખતે આરએસએસના સ્વયંસેવકોએ તેમની સેવા કરી હતી. આ વાતની ઉદ્ધવ ઠાકરેને ખબર નહીં હોય. જો તેઓ આ જ નથી જાણતા તો તેમને એ પણ ખબર નહીં હોય કે તત્કાલીન વડા પ્રધાને રાષ્ટ્રીય સ્વયંસેવકોને પણ રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેવા બોલાવ્યા હતા. આ બધી જ વાતોની ઉદ્ધવ ઠાકરેને જાણ નથી. જે પોતાના પિતાના વિચારો જ ભૂલી જાય એ ઇતિહાસ ભૂલી જાય એમાં શી નવાઈ?’