મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક કાર્યક્રમમાં શરદ પવારે જણાવ્યું હતું

શરદ પવાર (ફાઇલ તસવીર)
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે રવિવારે જણાવ્યું હતું કે દેશમાં ઇરાદાપૂર્વક સામાજિક અને સાંપ્રદાયિક વિભાજનને ઉશ્કેરતી શક્તિઓ સામે લડવાનો પડકાર દરેકની સામે છે.
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક કાર્યક્રમમાં શરદ પવારે જણાવ્યું હતું કે ‘કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે પરિસ્થિતિ ધીમે-ધીમે બદલાઈ રહી છે. જો મજૂર વર્ગ મજબૂત અને સંગઠિત રહેશે તો કર્ણાટક વિધાનસભા ચૂંટણી જેવું દેશમાં અન્યત્ર પણ જોવા મળશે.’
એનસીપીના વડાએ કહ્યું હતું કે ‘પડકાર આ શક્તિઓ સામે લડવાનો છે. નહીંતર સામાન્ય માણસ બરબાદ થઈ જશે. કર્ણાટકમાં સામાન્ય માણસની સરકારે સત્તા સંભાળી છે. ગઈ કાલે શપથગ્રહણ સમારોહમાં (મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના) હાજરી આપનારા એક લાખ લોકોમાંથી ૭૦ ટકા યુવાનો સમાજના વિવિધ વર્ગના હતા. નવા મુખ્ય પ્રધાન બધાને સાથે લઈને નબળા વર્ગનાં હિતોનું રક્ષણ કરવાનું કામ કરે છે.’