જ્યાં પહેલી લોકોમોટિવ ટ્રેન શરૂ થઈ હતી એ સ્ટેશનના નૂતનીકરણનું કામ શરૂ કરવાને લગતું કોઈ જ સત્તાવાર કન્ફર્મેશન રેલવે બોર્ડે આપ્યું નથી : થાણે સ્ટેશન પરની ભીડ અને અંધાધૂંધીનો કોઈ ઉપાય નથી
ક્રાઉડ મૅનેજમેન્ટ માટે ઘણાં પગલાં લેવાયાં છે, પણ એને ઝાઝી સફળતા નથી મળી
અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ ઐતિહાસિક રેલવે સ્ટેશનનું નવેસરથી બનાવવાની યોજના છે, પરંતુ એમાં થાણે સ્ટેશનનો નંબર હજી લાગ્યો નથી. થાણે એક ઐતિહાસિક સ્ટેશન છે અને એ દેશનું પ્રથમ સ્ટેશન છે જ્યાં પહેલી લોકોમોટિવ ટ્રેન શરૂ થઈ હતી. આ સ્ટેશન પર દરરોજ પાંચ લાખ મુસાફરો અને ૧૩૦૦ જેટલી ટ્રેનો આવ-જા કરે છે.
અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનનો પુનરુદ્ધાર કરવાનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું ઉપનગર હોવા છતાં થાણેમાં આ સ્કીમ હજી સુધી લાગુ થઈ નથી. આ સ્કીમ હેઠળ થાણે સ્ટેશનના પુનરુદ્ધારનું કામ શરૂ કરવાને લગતું કોઈ જ સત્તાવાર કન્ફર્મેશન રેલવે બોર્ડે આપ્યું નથી. આ વિશેનું એક નોટિફિકેશન ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ બહાર પડ્યું હતું, પરંતુ એમાં ઢીલ થઈ રહી છે.
ADVERTISEMENT
યાત્રી સંઘ, મુંબઈના પ્રેસિડન્ટ સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ ઉપનગરમાં રહે છે છતાં એના પુનરુદ્ધારના કામમાં ઢીલ થઈ રહી છે.
ફેડરેશન ઑફ સબર્બન પૅસેન્જર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ નંદકુમાર દેશમુખે જણાવ્યું હતું કે પૅસેન્જરોની સગવડ માટે થાણે સ્ટેશનની કેટલીક કૅન્ટીનોને બંધ કરવામાં આવી હતી જે હવે ફરી શરૂ કરવી જોઈએ.
પ્રવાસી રોહિત શેણોયે કહ્યું હતું કે ‘પોતાની જાતે ટિકિટ કાઢવાની સુવિધાઓ બરાબર કામ કરતી નથી. ફુટ ઓવરબ્રિજ પર પ્લૅટફૉર્મના નંબર મોટા અક્ષરે લખવાની ખાસ જરૂર છે.’
અર્જિત પૉલ નામના મુસાફરે કહ્યું હતું કે ફુટ ઓવરબ્રિજ પર વધુ ભીડ ન થાય એ માટે થાણે સ્ટેશન પર અન્ડરપાસ એટલે કે ભોંયરામાંથી જતા માર્ગો શરૂ કરવાની જરૂર છે.
થાણેમાં ભીડ ઓછી કરવા માટે રેલવેએ અનેક યોજનાઓ બનાવી છે, પરંતુ એ કાગળ પર જ રહી હોય એમ લાગે છે.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉક્ટર શિવાજી માનસપુરે કહ્યું હતું કે ટૂંક સમયમાં પુનરુદ્ધારની કામ શરૂ કરવામાં આવશે.


