ગણેશ મંડળો મુસીબતમાં ન મુકાય એ માટે રાજ્ય સરકારને ભૂમિકા સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો બોમ્બે હાઈ કોર્ટે : આગામી સુનાવણી ૩૦ જૂને
સાર્વજનિક ગણેશોત્સવ
ગણેશોત્સવ દરમ્યાન આ વર્ષે પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP) મૂર્તિના વિવાદ વિશે ગઈ કાલે મુંબઈ હાઈ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ સંદીપ મારણેની બેન્ચે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયમાં PoP મૂર્તિઓ બનાવવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, પરંતુ હાઈ કોર્ટે કુદરતી જળાશયોમાં PoP મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે જેને લીધે ગણેશોત્સવ દરમ્યાન ગણેશમંડળો મુસીબતમાં ન મુકાય એ માટે રાજ્ય સરકારને ભૂમિકા સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી ૩૦ જૂને રાખવામાં આવી છે.
મુંબઈ હાઈ કોર્ટે ૩૦ જાન્યુઆરીએ PoP મૂર્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપ્યો હતો જેની સામે રાજ્યના મૂર્તિકારોએ સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ની ગાઇડલાઇન્સને પડકારતી એક યાચિકા હાઈ કોર્ટમાં દાખલ કરી હતી. આ યાચિકાની દખલ લઈને પાંચમી મેએ મુંબઈ હાઈ કોર્ટે CPCBને પોતાની ભૂમિકા રાખવાનો નિર્દેશ આપ્યો હતો. ગઈ કાલે સુનાવણી દરમ્યાન CPCBએ પોતાની ભૂમિકામાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે PoP મૂર્તિઓ બનાવવા અથવા વેચવા સામે વિરોધ નથી, માત્ર કુદરતી જળાશયોમાં વિસર્જન સામે તેમનો વિરોધ હોવાની ભૂમિકા અમે રાખી હતી. બધા પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ન્યાયાધીશ સંદીપ મારણે અને ન્યાયાધીશ આલોક આરાધેની હાઈ કોર્ટની બેન્ચે નાની PoP મૂર્તિઓના મુદ્દાનો નિકાલ કર્યો હતો, કારણ કે મોટા ભાગની નાની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. એ ઉપરાંત PoP મૂર્તિઓ બનાવવા અને વેચવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં એવો ચુકાદો હાઈ કોર્ટે આપ્યો હતો. જોકે PoP મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં વિસર્જન ન થવું જોઈએ એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે. એ ઉપરાંત ગણેશોત્સવ દરમ્યાન મોટી મૂર્તિઓના વિસર્જન માટે શું વ્યવસ્થા કરવામાં આવશે એ સંદર્ભે માહિતી આપવા રાજ્ય સરકારને ૩ અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મુંબઈ હાઈ કોર્ટે આપેલો આદેશ મૂર્તિકારો માટે ફાયદાકારક સાબિત થયો છે, જ્યારે ગણેશમંડળો માટે મુસીબત ઊભી કરનારો છે, કારણ કે માઘી ગણેશોત્સવ દરમ્યાન મુંબઈમાં અનેક મોટી મૂર્તિઓને વિસર્જન કરવા ન દેવાતાં લૉ ઍન્ડ ઑર્ડરનો પ્રશ્ન નિર્માણ થયો હતો. આ વખતે પણ મૂર્તિકાર પાસેથી મૂર્તિ લઈને લોકો ગણેશોત્સવ મનાવી લેશે, પણ વિસર્જન વખતે તેમને તકલીફ થાય એવી શક્યતા છે. આવી પરિસ્થિતિ ન ઊભી થાય એ માટે રાજ્ય સરકારે હમણાંથી જ પ્રયત્ન કરવા જોઈએ એવી અમારી માગણી છે.’

