ગોવા સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને બૉમ્બે હાઈ કોર્ટે પલટાવીને તરુણ તેજપાલને બળાત્કારના કેસમાં દોષી ઠેરવ્યા અને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી એ પછી વિશાલ ભારદ્વાજે આ પ્રોજેક્ટ વિશે ખુલાસો કર્યો છે.
તરુણ તેજપાલના કેસ પરથી પ્રેરણા લઈને ફિલ્મ બનાવશે વિશાલ ભારદ્વાજ
ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજે ખુલાસો કર્યો છે કે તે તરુણ તેજપાલ બળાત્કાર કેસની વિગતોને આધારે ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગોવા સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને બૉમ્બે હાઈ કોર્ટે પલટાવીને તરુણ તેજપાલને બળાત્કારના કેસમાં દોષી ઠેરવ્યા અને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી એ પછી વિશાલ ભારદ્વાજે આ પ્રોજેક્ટ વિશે ખુલાસો કર્યો છે. વિશાલ ભારદ્વાજે જણાવ્યું કે ‘આ કેસમાં આવેલા બે વિરોધાભાસી ચુકાદાઓએ મને આ વાર્તાને પડદા પર રજૂ કરવા માટે પ્રેરણા આપી છે. આ કેસ સાથે જોડાયેલી ઘણી એવી હકીકતો અને ઘટનાઓ છે જેના વિશે લોકોને જાણકારી નથી અને જેને પડદા પર જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ શકે છે. મેં કેસ સાથે જોડાયેલા કાનૂની દસ્તાવેજોનો ખૂબ જ વિગતવાર અભ્યાસ કર્યો છે. મેં ગોવા ટ્રાયલ કોર્ટનો ૫૨૭ પાનાંનો ચુકાદો અનેક વખત વાંચ્યો છે જેથી કેસની જટિલતાઓને વધુ સારી રીતે સમજી શકાય. હું આ ફિલ્મ કોઈ પૂર્વનિર્ધારિત નિષ્કર્ષને આધારે બનાવવાને બદલે સમગ્ર ઘટનાને અલગ-અલગ દૃષ્ટિકોણથી રજૂ કરવા માગું છું. હું આ વિષયને એક નિષ્પક્ષ નિરીક્ષકની જેમ રજૂ કરવા ઇચ્છું છું.’
શું છે તરુણ તેજપાલ કેસ?
તરુણ તેજપાલ સામેનો કેસ ભારતના સૌથી લાંબા સમયથી ચાલતા ફોજદારી કેસોમાંનો એક છે. ૨૦૧૩માં તરુણ તેજપાલ પર તેની એક જુનિયર સહકર્મીએ જાતીય હુમલાનો આરોપ મૂક્યો હતો. આ પછી તરુણ તેજપાલની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૧માં ગોવા સેશન્સ કોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે રાજ્ય સરકારે આ ચુકાદાને પડકાર્યો હતો. ૬ ઑગસ્ટે બૉમ્બે હાઈ કોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદો પલટાવી દીધો. હાઈ કોર્ટે ફરિયાદીની જુબાની, CCTV કૅમેરાનાં ફુટેજ અને માફી માગતી તરુણ તેજપાલની ઈ-મેઇલ સહિતના પુરાવાઓને ધ્યાનમાં લઈને તેમને દોષી ઠેરવ્યા હતા. હવે તરુણ તેજપાલે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કહી છે જેના કારણે આ સમગ્ર મામલો હજુ કાનૂની પ્રક્રિયામાં અટવાયેલો છે.
