આગાહી મુજબ ગઈ કાલે શહેરમાં જોરદાર વરસાદ તો વરસ્યો, પણ એ એકધારો ન હોવાથી પાણી ભરાવાના છૂટાછવાયા બનાવ બન્યા હતા અને જીનજીવન પણ અસ્તવ્યસ્ત નહોતું થયું. હવે આવતી કાલે ફરી ભારેથી અતિભારે વરસાદનો વરતારો હોવાથી સુધરાઈની વધુ એક કસોટી થવાની
ગઈ કાલે ભારે વરસાદને લીધે ઘોડબંદર રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં.
બુધવાર રાતથી મેઘરાજાએ શરૂ કરેલી ધમાકેદાર બીજી ઇનિંગ્સમાં વેધશાળાની આગાહી મુજબ મુંબઈગરાઓ માટે ગઈ કાલનો દિવસ ભારે હતો, પણ છૂટીછવાઈ પાણી ભરાવાની ઘટનાને બાદ કરતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સારી રીતે મોરચો સંભાળી લીધો હતો. જોકે હવે આવતી કાલે ફરી એક વાર એની પરીક્ષા છે, કારણ કે વેધશાળાએ ફરીથી મુશળધાર વરસાદની આગાહી કરી છે. ફક્ત મુંબઈ જ નહીં, થાણે અને રાયગડમાં પણ વરુણદેવ મનમૂકીને વરસે એવી ભારોભાર શક્યતા હોવાનું વેધર બ્યુરોનું કહેવું છે.
આજે પણ શહેરમાં છૂટાછવાયા વરસાદની વચ્ચે ભારેથી અતિભારે ઝાપટાં પડવાની ભારોભાર શક્યતા છે. આ વરસાદ આખું અઠવાડિયું ચાલુ રહેશે. બીજી બાજું, જોરદાર વરસાદને લીધે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પણ પાણીની સારી આવક થઈ છે અને સાતેય જળાશયોમાં ૨૫ ટકાથી વધારે પાણીનો સંગ્રહ થઈ ગયો છે જે જુલાઈના પહેલા અઠવાડિયા સુધી પાંચ ટકા હતો. પ્રાઇવેટ વેધર ફોરકાસ્ટરનું માનવું છે કે જો આવો જ વરસાદ રહ્યો તો બાવીસમી જુલાઈ સુધીમાં જળાશયોમાં ૬૦ ટકાથી વધારે પાણી ભરાઈ જશે અને મુંબઈના માથેથી જળસંકટ દૂર થઈ જશે.
ગઈ કાલે આખો દિવસ મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં વરસાદ ચાલુ રહ્યો હતો. અંધેરી સબવે અને મલાડ સબવેમાં સવારના જ પાણી ભરાઈ ગયાં હતાં. જોકે વરસાદ ધીમો પડતાં પમ્પથી પાણીનો નિકાલ કરાતો હતો. ભારે વરસાદને કારણે અંધેરી-ઈસ્ટમાં આવેલી રાજારામ ચાલનો કેટલોક ભાગ શુક્રવારે મધરાત બાદ રાત્રે બે વાગ્યે તૂટી પડ્યો હતો. જોકે એ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું.
ADVERTISEMENT
મુંબઈમાં ગઈ કાલે વરસાદે આ સીઝનનો ૧૦૦૦ મિલીમીટરનો બૅન્ચમાર્ક વટાવ્યો હતો. કોલાબામાં ગઈ કાલે સીઝનનો કુલ વરસાદ ૧૦૭૪.૬ મિલીમીટર નોંધાયો હતો અને સાંતાક્રુઝમાં એ ૧૦૮૯.૨૧ મિલીમીટર નોંધાયો હતો. ગયા વર્ષે ૧૦૦૦ મિલીમીટર વરસાદ ૨૧ જુલાઈએ નોંધાયો હતો.
હવામાન ખાતાએ આવતી કાલે મુંબઈ સહિત થાણે અને રાયગડ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ અને રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં તો બહુ જ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી ત્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતાએ આજે પણ મુંબઈમાં મધ્યમથી ભારે ઝાપટાં પડતાં રહેશે એવી શક્યતા દર્શાવી છે, જ્યારે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે એમ જણાવ્યું છે.
કાન્હેરી કૅવ્સ જાઓ તો સંભાળજો
ચોમાસામાં નૅશનલ પાર્કમાં આવેલી કાન્હેરીની ગુફાની ઉપરનો ધોધ ચાલુ થઈ જાય છે અને એથી અનેક મુંબઈગરા એની મજા લેવા પહોંચી જાય છે. આ વખતે પણ હવે જ્યારે વરસાદ જામ્યો છે ત્યારે મુંબઈગરાએ એમાં નહાવાની દોટ મૂકી છે. જોકે સંજય ગાંધી નૅશનલ પાર્કના ઑફિસર મલ્લિકાર્જુને અપીલ કરતાં કહ્યું હતું કે ‘મુંબઈગરા કુદરતની મજા માણવા આવે એની ના નહીં. તમે આવો, એન્જૉય કરો; પણ સાવચેતી રાખો. અહીં ઉપર પથ્થર છે જે વરસાદમાં લપસણા થઈ જાય છે. એથી બી અવેર. વીક-એન્ડમાં ૧૦,૦૦૦ જેટલા લોકો અહીં આવતા હોય છે.’

