Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૪ કલાકમાં કોવિડ ટેસ્ટના રિઝલ્ટનાં બણગાં : બીએમસીનાં વાતોનાં વડાં

૨૪ કલાકમાં કોવિડ ટેસ્ટના રિઝલ્ટનાં બણગાં : બીએમસીનાં વાતોનાં વડાં

12 January, 2022 10:13 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મહાનગરપાલિકા સતત કહે છે, ૨૪ કલાકમાં કોરોનાની ટેસ્ટના રિપોર્ટ મળે એવી વ્યવસ્થા કરી છે, પણ ઘાટકોપરમાં એકનાં સૅમ્પલ્સ ગુમાવી દીધાં ને બીજાનો રિપોર્ટ છઠ્ઠા દિવસે આપ્યો

દાદરમાં પૅસેન્જરોની આરટી-પીસીઆર ટેસ્ટ કરી રહેલો હેલ્થ વર્કર (તસવીર : સુરેશ કરકેરા)

દાદરમાં પૅસેન્જરોની આરટી-પીસીઆર ટેસ્ટ કરી રહેલો હેલ્થ વર્કર (તસવીર : સુરેશ કરકેરા)


મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડની આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૨૪ કલાકની ડેડલાઇન જાહેર કરી છે. જોકે વાસ્તવિકતા મહાનગરપાલિકાના દાવાથી સાવ જ વિપરીત છે. કોઈકના આરટી-પીસીઆરના ટેસ્ટ-રિપોર્ટ ૬ દિવસે આવે છે અને કોઈકના આરટી-પીસીઆર માટે આપેલાં સૅમ્પલ્સ જ ગુમ થઈ જાય છે. આવા સમયે નાગરિકો માટે મૂંઝવણનો વિષય બની જાય છે કે કરે તો ક્યા કરે. કવૉરન્ટીન પિરિયડ સાત દિવસનો છે, પણ રિપોર્ટ જ આવતાં ૬ દિવસ થઈ જાય કે ટેસ્ટ માટે આપવામાં આવેલાં સૅમ્પલ્સ ખોવાઈ જાય તો આમ જનતાની હાલત કફોડી બની જાય છે. 
ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડમાં આવાં ઉદાહરણો પ્રકાશમાં આવ્યાં છે.
એક બનાવમાં ઘાટકોપરના એક આર્કિટેક્ટ યુવાનને તેના જૉબ પર પાંચમી જાન્યુઆરીએ બૅન્ગલોર પહોંચવાનું હતું. સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ઍર-ટ્રાવેલિંુગ માટે તેની પાસે વૅક્સિન સર્ટિફિકેટની સાથે આરટી-પીસીઆર ટેસ્ટનો પૉઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી હતો. આથી આ યુવાન ૪ જાન્યુઆરીએ બપોરે એક વાગ્યે ‘એન’ વૉર્ડમાં કોવિડ-ટેસ્ટ માટે પહોંચી ગયો હતો. 
આ બાબતની માહિતી આપતાં આ યુવાનના પપ્પાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જ્યારે સૅમ્પલ્સ આપતાં પહેલાં ‘એન’ વૉર્ડમાં કોવિડ-ટેસ્ટના સંબંધિત વિભાગના ડૉક્ટરોને રિપોર્ટ ક્યારે મળશે એમ પૂછ્યું ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે રિપોર્ટ બીજા દિવસે મળી જશે. આથી મારા પુત્રએ આરટી-પીસીઆર ટેસ્ટ માટે તેનાં સૅમ્પલ્સ આપી દીધાં હતાં, પરંતુ બીજા દિવસે અમને સવારે રિપોર્ટ ન મળતાં અમે તપાસ કરતાં અમને કહેવામાં આવ્યું હતું કે બપોર સુધીમાં રિપોર્ટ મળી જશે. આથી મારો પુત્ર બેફિકર બનીને ફ્લાઇટ પકડીને બૅન્ગલોર જવા નીકળી ગયો હતો. અમને એમ હતું કે તે બૅન્ગલોર ઍરપોર્ટ પર સાંજે ઊતરશે એ પહેલાં તેને તેનો કોવિડ-ટેસ્ટ રિપોર્ટ મળી જશે. જોકે અમારી આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. મારો પુત્ર બૅન્ગલોર ઍરપોર્ટ પર પહોંચી ગયો અને નસીબજોગ કોઈ પણ જાતની હેરાનગતિ વગર બહાર પણ નીકળી ગયો. તેને તેની કંપનીના રૂલ પ્રમાણે રિપોર્ટની જરૂર હતી એ તેણે ફરીથી ટેસ્ટ કરાવીને ચાર કલાકમાં રિપોર્ટ તેની કંપનીને સુપરત કરી દીધો હતો.’ 
નવાઈની વાત તો એ છે કે અમે જે કારણથી ‘એન’ વૉર્ડમાં ટેસ્ટ કરાવી હતી એ રિપોર્ટ અમને છેક થાણેની લૅબમાંથી ૧૦ જાન્યુઆરીએ મળ્યો હતો. એ વિશે જાણકારી આપતાં આર્કિટેક્ટ પુત્રના પિતાએ કહ્યું હતું કે ‘મહાનગરપાલિકા સતત દાવો કરી રહી છે કે આરટી-પીસીઆરનો રિપોર્ટ કોઈ પણ સંજોગોમાં ૨૪ કલાકમાં મળી જશે. તો આ દાવો કેટલો પોકળ સાબિત થઈ રહ્યો છે. મારા પુત્ર જેવાં તો ‘એન’ વૉર્ડમાં અનેક ઉદાહરણો જોવા મળી રહ્યાં છે. જ્યાં લોકોને રોજ ધક્કા ખાવા છતાં તેમને રિપોર્ટ તો મળતો નથી, પણ તેમને પ્રૉપર રિસ્પૉન્સ પણ મળતો નથી.’
આનાથી પણ ગંભીર બનાવ ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં રહેતા એક કચ્છી પરિવાર સાથે બન્યો હતો. આ પરિવારને તેમની ટીનેજર પુત્રીનો આરટી-પીસીઆરનો રિપોર્ટ તો આજ સુધી મળ્યો નથી, પણ તેમણે આપેલાં સૅમ્પલ્સ જ ગુમ થઈ ગયાં છે.
આ મામલાની માહિતી આપતાં આ ટીનેજરની મમ્મીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પુત્રીને તાવ આવતો હોવાથી અમે પહેલાં ઍન્ટિજન-ટેસ્ટ કરાવી હતી, જેમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે એક મિત્રએ સલાહ આપી હતી કે તમે ઊંઘતા ન ઝડપાઈ જાઓ એ માટે મહાનગરપાલિકામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી લો, જેને કારણે અમે ‘એન’ વૉર્ડમાં જઈને મારી પુત્રીની આરટી-પીસીઆર ટેસ્ટ માટે નાક અને જીભ પરથી ડૉક્ટરે સૅમ્પલ્સ લીધાં હતાં.’
અમારા આશ્ચર્ય વચ્ચે થોડા કલાકોમાં જ અમને થાણેની એક લૅબમાંથી ઍન્ટિજન ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ મળી ગયો હતો, એમ જણાવતાં આ કચ્છી મહિલાએ કહ્યું હતું કે ‘અમે તરત જ ‘એન’ વૉર્ડમાં જઈને ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને કહ્યું કે આરટી-પીસીઆર ટેસ્ટ માટે થાણે સૅમ્પલ્સ મોકલી દીધાં છે. અમે રોજ થાણેની લૅબમાં અને મહાનગરપાલિકામાં ધક્કા ખાઈએ છીએ, પરંતુ અમને આજ સુધી આરટી-પીસીઆર રિપોર્ટ મળ્યો નથી. અમને લૅબ તરફથી કહેવામાં આવ્યું કે તમે ઍન્ટિજન ટેસ્ટનું જ કહ્યું હતું, જેની સામે અમે દલીલો કરી કે જ્યારે નાક અને મોઢા બન્નેમાંથી સૅમ્પલ્સ લીધાં એનો મતલબ કે અમે આરટી-પીસીઆર ટેસ્ટ જ કરવાનું કહ્યું છે.’

અમારી રોજની રકઝક સામે અમને લૅબ તરફથી જવાબ મળ્યો છે કે તેમની પાસે મારી પુત્રીનાં સૅમ્પલ્સ છે જ નહીં, જ્યારે ‘એન’ વૉર્ડમાંથી અમને જવાબ મળી રહ્યો છે કે ટેસ્ટ અન્ડર પ્રોસેસ છે. આ વિશે જાણકારી આપતાં કચ્છી મહિલાએ કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાની લૅબમાંથી ટેસ્ટ-રિપોર્ટ આવવામાં વિલંબ થતાં અમે પ્રાઇવેટ લૅબમાં મારી પુત્રીનો રિપોર્ટ કરાવીને ડૉક્ટરને સબમિટ કરી દીધો હતો. ડૉક્ટરે અન્ય રિપોર્ટ કરાવ્યા બાદ તેમની તપાસમાંથી અમને ખબર પડી હતી કે મારી દીકરીને પેટમાં ઇન્ફેક્શન થયું હોવાથી તાવ આવ્યો હતો, જેની દવા પણ કરી લીધી અને મારી દીકરી સાજી પણ થઈ ગઈ. આમ છતાં આજ સુધી અમને આરટી-પીસીઆરનો રિપોર્ટ મળ્યો નથી. આનાથી મોટું મહાનગરપાલિકાના રેઢિયાળ તંત્રનું ઉદાહરણ બીજું શું હોઈ શકે.’
આ બાબતની સ્પષ્ટતા માટે મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડ સાથે સંલગ્ન થાણેની વાગલળે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલા અલ્પાઇન ડાયગ્નૉસ્ટિક સેન્ટરને વૉટ્સઍપ અને ઈ-મેઇલ કરવામાં આવ્યા હતા. જોકે તેમના તરફથી કોઈ સ્પષ્ટતા થઈ નહોતી. 
મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર તાત્યા સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તમે બન્ને કેસની માહિતી મને મોકલો. એને જોયા બાદ હું ઍક્શન લઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2022 10:13 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK