Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માટુંગામાં BJPએ ઉમેદવારી ન આપી એટલે નેહલ શાહે અપક્ષ તરીકે ઝંપલાવ્યું, કહ્યું...

માટુંગામાં BJPએ ઉમેદવારી ન આપી એટલે નેહલ શાહે અપક્ષ તરીકે ઝંપલાવ્યું, કહ્યું...

Published : 31 December, 2025 07:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૉર્મ પાછું ખેંચવા માટે મેં ઉમેદવારી નથી નોંધાવી, જીતી જઈશ તો પાછી પાર્ટી સાથે જ જોડાઈ જઈશ

ગઈ કાલે ચૂંટણી અધિકારીને ફૉર્મ આપતાં નેહલ શાહ.

ગઈ કાલે ચૂંટણી અધિકારીને ફૉર્મ આપતાં નેહલ શાહ.


વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી (BJP)માં રહીને છેલ્લાં ૯ વર્ષથી માટુંગામાં ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહે ગઈ કાલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. બે દિવસ પહેલાં તેઓ પાર્ટીએ ટિકિટ ન આપતાં નારાજ હતાં. તેમણે અપક્ષ ઝુકાવ્યું છે પણ તેમનું કહેવું છે કે મેં પાર્ટી નથી છોડી, જો હું જીતી ગઈ તો પાર્ટીમાં (BJP) જ જોડાઈશ; હું પાર્ટીની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાને અનુસરું છું.

નેહલ શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે ઑલરેડી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો જ છે ત્યારે તમે અપક્ષ ઝુકાવી રહ્યાં છો, પાર્ટી જો તમને ફૉર્મ પાછું ખેંચવાનું કહેશે તો પોતાનો ઉમેદવારી પાછી ખેંચશો? એનો જવાબ આપતાં નેહલ શાહે કહ્યું હતું કે પાછું ખેંચવા માટે મેં ફૉર્મ નથી ભર્યું.  



આ બાબતે ચોખવટ કરતાં નેહલ શાહે કહ્યું હતું કે ‘૯ વર્ષ પહેલાં આ વૉર્ડ કૉન્ગ્રેસ પાસે હતો. મેં વૉર્ડમાં સખત મહેનત કરી છે. સ્થાનિક કાર્યકરો, પદાધિકારીઓ બધાએ મહેનત કરીને આજે આ વૉર્ડને BJPનો એ-વન કહી શકાય એવો વૉર્ડ બનાવ્યો છે. ત્યારે વૉર્ડના કાર્યકરો, મારા સમર્થકો બધાનું કહેવું છે કે અહીંના મતદારો તમારું કામ જાણે છે, તમને જાણે છે એથી તમારે ઝુકાવવું જ જોઈએ. માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પાર્ટીએ ઉમેદવાર ઊભી રાખી છે એ ખરું પણ એ કોણ છે એની મતદારોને જાણ નથી. તેણે કામ શું કર્યું? જ્યારે મેં કામ પણ કર્યું છે અને કૉર્પોરેશનની સિસ્ટમમાં કઈ રીતે કામ થાય એનો અનુભવ પણ લીધો છે. હું આજે પણ પાર્ટી સાથે જ છું. જો જીતી ગઈ તો મારે પાર્ટી સાથે જ જોડાઈ જવાનું છે એ નક્કી છે. મારે કે પાર્ટીએ આટલી મહેનત કર્યા પછી કોઈ પણ હિસાબે વૉર્ડ ગુમાવવાનું પાલવે નહીં એથી મેં આ નિર્ણય લીધો છે.’  


ઘાટકોપર-ઈસ્ટના પ્રતિષ્ઠિત વૉર્ડ-નંબર ૧૩૨માં BJPનાં શોભા આશરે અપક્ષ તરીકે ઝંપલાવ્યું- ગુજરાતી ઉમેદવારને ગણતરીમાં લેવાતા નથી, ગુજરાતી મતદારો ગુજરાતી ઉમેદવાર ઇચ્છે છે


ચૂંટણી-અધિકારીને ઉમેદવારીપત્ર આપી રહેલાં શોભા આશર.

ઘાટકોપર-ઈસ્ટના વૉર્ડ-નંબર ૧૩૨ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ભૂતપૂર્વ નગરસેવિકા શોભા આશરે અપક્ષ તરીકે ઝુકાવ્યું છે. વર્ષો સુધી પાર્ટીમાં રહીને પાર્ટી માટે કામ કર્યા છતાં ટિકિટ આપતી વખતે નોંધ જ નથી લેવાતી એવી નારાજગી દર્શાવતાં તેમણે કહ્યું હતું કે અહીંના ગુજરાતી મતદારો ગુજરાતી ઉમેદવાર ઇચ્છે છે અને એથી જ મેં અપક્ષ તરીકે ઝુકાવ્યું છે. 
BJPએ એ આ મહિલા વૉર્ડમાં ઘાટકોપર-વેસ્ટમાં રહેતાં રિતુ તાવડેને ઉમેદવારી આપી છે. ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જ ૨૦૦૭માં જીતીને પાંચ વર્ષ સુધી નગરસેવિકાપદે રહેલાં શોભા આશરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ૧૯૯૨થી પાર્ટી સાથે જોડાયેલી છું. વર્ષોથી લોકો વચ્ચે કામ કરી રહી છું. અહીંના કાર્યકરો અને પદાધિકારીઓ બધા સાથે હજી પણ સંપર્કમાં છું. વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલી હોવાથી ટિકિટ માટે રજૂઆત પણ કરી હતી અને આશા પણ રાખી હતી. જોકે પાર્ટી ગુજરાતીઓને ગણતરીમાં લેતી જ નથી. આટલો ભોગ આપ્યા પછી પણ પાર્ટી અમારો વિચાર નથી કરતી. એવું પણ લાગ્યું કે ગુજરાતી મતદારો ગુજરાતી ઉમેદવાર ઇચ્છે છે એથી અપક્ષ તરીકે મેં ફૉર્મ ભર્યું છે.’ વર્ષોથી BJP સાથે સંકળાયેલાં છો એથી જો પાર્ટી કહેશે તો શું તમે ફૉર્મ પાછું ખેંચશો એવો સવાલ જ્યારે ‘મિડ-ડે’એ તેમને કર્યો ત્યારે તેમણે કહ્યું હતું, ‘ના,  હું ૧૦૦ ટકા લડવાની જ છું. મારે મારા ગુજરાતી મતદારોને ન્યાય અપાવવો છે.’

ઘાટકોપરના વૉર્ડ-નંબર ૧૩૦માં BJPમાં બળવો, પીયૂષ દાસે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી દીધી- મોદીસાહેબ પોતે એક સામાન્ય કાર્યકરમાંથી આગળ વધ્યા છે તો અમને શું આગળ વધવાનો હક નથી?

ચૂંટણી-અધિકારીને પોતાનું ઉમેદવારીપત્ર આપી રહેલા પીયૂષ દાસ.

ઘાટકોપરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કાર્યકર તરીકે કામ કરનાર પીયૂષ દાસે પાર્ટીએ અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવતાં ગઈ કાલે વૉર્ડ-નંબર ૧૩૦માંથી અપક્ષ તરીકે ઝુકાવ્યું હતું. તેમનું કહેવું હતું કે પાર્ટી માટે અમારે શું ફક્ત ઝંડા ઉપાડવાનું જ કામ કરવાનું?  અપક્ષ તરીકે ફૉર્મ ભર્યા બાદ એ વિશેનાં કારણોની છણાવટ કરતાં પીયૂષ દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે પાર્ટી જે બહારથી આવે છે, બીજા પક્ષમાંથી આવે છે તેમને ટિકિટ આપે છે. પૈસાવાળાને જ ટિકિટ આપે છે. ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટ બન્નેમાં પાર્ટીએ ઊભા રાખેલા ઉમેદવારો પૈસાવાળા છે. મને એવું લાગી રહ્યું છે કે પાર્ટીને હવે સાધારણ, નિષ્ઠાવાન અને પાર્ટી માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે એવા કાર્યકરોની જરૂર નથી. જો તમે બધા જ ઉમેદવારો આયાત કરવાના હો, બહારથી લાવવાના હો તો અમારે શું ફક્ત પાર્ટીના ઝંડા જ ઉપાડવાના? સંગઠન, કાર્યકર્તા, છેવટના મતદાર સાથે સંપર્ક એ બધાની કશી વૅલ્યુ જ રહી નથી, હવે પેઇડ વર્ક જ થઈ ગયું છે. અમને જૂના કાર્યકરો કહ્યે રાખવાનું, તમને ટિકિટ આપીશું, બધાને તૈયારી કરવા કહેવાનું અને છેલ્લે બહારથી આયાત કરેલાને ઉમેદવારને ટિકિટ આપી દેવાય છે. શું ગરીબ કે સાધારણ કાર્યકર્તાએ આગળ આવવાની ઇચ્છા જ નહીં રાખવાની? મોદીસાહેબ પોતે એક સાધારણ કાર્યકર્તામાંથી જ આગળ વધ્યા છે તો અમને શું આગળ વધવાનો કોઈ હક નથી?’

BMCની ૨૨૭ બેઠક માટે કોણ કેટલી સીટ પર લડશે?
BJP-૧૩૭
શિવસેના-૯૦
NCP-૯૪
કૉન્ગ્રેસ-૧૪૩
વંચિત બહુજન આઘાડી – ૪૨
રાષ્ટ્રીય સમાજ પક્ષ – ૬
શિવસેના (UBT) – ૧૫૦
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના- ૫૨
NCP (SP) - ૧૧  

થાણેની ૧૩૧ બેઠક માટે કોણ કેટલી સીટ પર લડશે?
શિવસેના-૮૭ 
BJP-૪૦
NCP-૭૫
કૉન્ગ્રેસ-૧૦૦
MNS- ૩૪
શિવસેના (UBT) - ૫૩
NCP (SP) -૩૬

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK