નાગપુરમાં પણ કૉન્ગ્રેસ અને NCP (SP)વચ્ચે યુતિની મંત્રણા પડી ભાંગતાં બન્ને પક્ષ પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે લડશે
શરદ પવાર
મહા વિકાસ આઘાડીના સાથીપક્ષો તરીકે કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP) સાથે છે એથી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ તેમની યુતિ રહેશે એવું ચર્ચાઈ રહ્યું હતું. જોકે હવે નાગપુરમાં પણ કૉન્ગ્રેસ અને NCP (SP)વચ્ચે યુતિની મંત્રણા પડી ભાંગતાં બન્ને પક્ષ પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે લડશે. નાગપુરના NCP (SP)ના પ્રેસિડન્ટ દુનેશ્વર પેઠેએ કહ્યું હતું કે ‘સોમવાર રાત સુધી અમે યુતિ માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. અમે પહેલાં પચીસ બેઠકની માગણી કરી હતી. જોકે એ પછી ઘટાડીને અમે ફક્ત ૧૫ બેઠક માગી. એ પછી કૉન્ગ્રેસે અમારા ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું. એથી અમને જાણ થઈ કે કૉન્ગ્રેસને અમારી સાથે યુતિ કરીને ચૂંટણી લડવામાં રસ નથી. અમને લાગે છે કૉન્ગ્રેસ આમ કરી BJPને સપોર્ટ કરી રહી છે અને એથી જ યુતિ કરવાનું ટાળી રહી છે.’
૨૦૧૭માં થયેલી ચૂંટણી વખતે ૧૫૧ બેઠક ધરાવતી નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં BJPએ ૧૦૮ બેઠક પર જીત મેળવી હતી જ્યારે કૉન્ગ્રેસ ૨૮, બહુજન સમાજ પાર્ટી ૧૦, શિવસેના (અનડિવાઇડેડ) બે અને NCP (અનડિવાઇડેડ)એ એક બેઠક પર વિજય મેળવ્યો હતો.


