આ દિવસોમાં પ્રવાસીઓની કૅન્સલ કરવામાં આવેલી ટિકિટોનું ફુલ રીફન્ડ રેલવે પ્રશાસન તરફથી આપવામાં આવશે
ફાઇલ તસવીર
ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે ચક્રવાત ‘બિપરજૉય’ ગુરુવારે બપોરે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે ત્રાટકે એવી શક્યતા છે. જેની મહત્તમ પવનની ઝડપ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે. જેને પરિણામે કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને મોરબીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સત્તાવાળાઓએ દરિયાની નજીક રહેતા લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું અને માછીમારીની પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી હતી તેમ જ બંદરો પર ચેતવણીના સંકેતો ફરકાવ્યા હતા. આની સાથે વેસ્ટર્ન રેલવેએ પણ સાવચેતીના પગલારૂપે મુંબઈથી કચ્છ તરફ જતી બધી જ એક્સપ્રેસ ટ્રેનોને શુક્રવાર ૧૬ જૂન સુધી રદ કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે મુંબઈથી કચ્છ જવા નીકળી ગયેલી સયાજી નગરી એક્સપ્રેસ (ટ્રેન નંબરઃ૨૦૯૦૭) તથા કચ્છ એકસપ્રેસ (ટ્રેન નંબરઃ૨૨૯૫૫)ને અમદાવાદ સુધી જ દોડાવવાનો નિર્ણય કર્યો હતો.
આ પરિસ્થિતિમાં કચ્છ તરફ જતી બધી જ ટ્રેનોને ૧૬ જૂન સુધી રદ કરવામાં આવી છે. આ માહિતી આપતાં શ્રી કચ્છ પ્રવાસી સંઘના અગ્રણી નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય સાવચેતીના પગલારૂપે લેવામાં આવ્યો છે. આ દિવસોમાં પ્રવાસીઓની કૅન્સલ કરવામાં આવેલી ટિકિટોનું ફુલ રીફન્ડ રેલવે પ્રશાસન તરફથી આપવામાં આવશે. આ પરિસ્થિતિમાં શક્ય હોય તો કચ્છ તરફ પ્રવાસ ન કરવાનું કહેવામાં આવ્યું છે.’
ADVERTISEMENT
નીલેશ શાહે વધુમાં કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેએ અચાનક લીધેલા આ નિર્ણયથી મુંબઈથી હજારો પ્રવાસીઓ કચ્છ જવા ગઈ કાલે નીકળી ગયા હતા, પરંતુ તેમને અમદાવાદ સુધી ટ્રેનો જવાની છે એવા સમાચાર મળતાં તેઓ મુંબઈ પાછા ફરવા માટે વાપી અને વલસાડ જેવાં વચલાં સ્ટેશનો પર ઊતરી ગયાં હતાં.’
આ પ્રવાસીઓ માટે વાપી અને વલસાડમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માહિતી આપતાં નીલેશ શાહે કહ્યું હતું કે ‘આ પ્રવાસીઓ વલસાડમાં હિમાંશુ ગાલા મોબાઈલ નંબરઃ 9427715676, અંબરીષ મોબાઇલ નંબરઃ 9727757212 અને નીલેશ દેઢિયા મોબાઇલ નંબરઃ 9825869900 તથા તીથલ સૅનિટોરિયમ માટે નિકીતા સોની મોબાઇલ નંબરઃ 9638770531નો સંપર્ક કરી શકશે. આ સિવાય પ્રવાસીઓને અગવડ ન પડે એના માટે ધ મુંબઈ ગ્રેન ડીલર અસોસિએશનના પ્રમુખ રમણીક છેડાએ આપેલી માહિતી પ્રમાણે ધ મુંબઈ ગ્રેન ડીલર અસોસિએશન તરફથી વલસાડની તીથલ સૅનેટોરિયમમાં નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


