બીએમસી સંચાલિત અગ્રવાલ હૉસ્પિટલમાં બહાર આવ્યું મોટું કૌભાંડ : આ વૉર્ડનો કૉન્ટ્રૅક્ટ લેનાર સંસ્થા સામે હત્યા સહિતની કલમો હેઠળ મુલુંડ પોલીસે ફરિયાદ નોંધી
મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં બૉગસ ડૉક્ટરો હોવાનું કહેવાય છે
માત્ર આઠ મહિનામાં આઇસીયુ વૉર્ડમાં 149 દરદીઓનાં મૃત્યુ થયાં હોવાનું કહેવાય છે
મુલુંડમાં એક યુવકનું જૂન ૨૦૧૯માં હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું હતું. તેના ભાઈએ હૉસ્પિટલ પાસેથી વધુ વિગતો માગતાં મૃત્યુ પાછળ બેદરકારી થઈ હોવાની શંકા જતાં તેણે હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં કાર્યરત ડૉક્ટર વિશે માહિતી કઢાવી ત્યારે આઇસીયુમાં પ્રૅક્ટિસ કરતા ડૉક્ટરો બોગસ હોવાનું જણાયું હતું. એ પછી વધુ માહિતી કઢાવતાં માત્ર ૮ મહિનામાં આઇસીયુ વૉર્ડમાં ૧૪૯ દરદીઓનાં મૃત્યુ થયાં હોવાનું જણાયું હતું. ત્યાર બાદ તેણે કરેલી ફરિયાદના આધારે પોલીસે બીએમસી સંચાલિત મુલુંડની એમ.ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં આઇસીયુનો કૉન્ટ્રૅક્ટ લેનાર સંસ્થા સામે હત્યા સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
ADVERTISEMENT
મુલુંડ કૉલોનીમાં હિન્દુસ્તાન ચોક નજીકની એક સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષના ગોલ્ડી શર્માએ કહ્યું હતું કે ‘૨૦૧૯ની ૪ જૂને મારો ભાઈ રાજકુમાર શર્મા એલબીએસ રોડ પર ફ્રેન્ડ્સ સ્કૂલ નજીક હતો ત્યારે તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. તેને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જોકે પછીથી માહિતી કઢાવતાં જાણવા મળ્યું કે જ્યારે તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો ત્યારે તે જીવતો હતો. ત્યાં ડૉક્ટર હાજર નહોતા એટલે તેનું મૃત્યુ થયું હતું. એ પછી આઇસીયુમાં ઇલાજ કરતા ડૉક્ટર વિશે માહિતી કઢાવતાં જાણવા મળ્યું હતું કે જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટને ડૉક્ટર ઉપલબ્ધ કરાવવા માટે પાલિકાએ કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો; જેમાં એમબીબીએસ, બીએચએમએસ, બીએમએસ પદવી પરના ડૉક્ટર આઇસીયુમાં ઇલાજ કરી શકે નહીં એવી શરત રાખવામાં આવી હતી. જોકે ટ્રસ્ટ તરફથી મુકાયેલા ડૉક્ટરની બેદરકારીથી અનેક દરદીનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે.’
ગોલ્ડી શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે આવેલી માહિતીના આધારે મેં ત્યારના પાલિકા કમિશનરને પત્ર લખીને કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી, પણ તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી. એ પછી મેં આરટીઆઇથી માહિતી માગી હતી જેમાં જાણવા મળ્યું કે ૮ મહિનામાં માત્ર મુલુંડના આઇસીયુ વૉર્ડમાં ૧૪૯ દરદીઓનાં મૃત્યુ આ બોગસ ડૉક્ટરને લીધે થયાં હતાં. વધુ તપાસ કરતાં આ તમામ લોકોનાં ડેથ સર્ટિફિકેટ પર ૧૭ ડૉક્ટરની સહી હતી, જેમાં ડૉ. પરવેઝ શેખ નામના ડૉક્ટર સામે કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં ઇલાજ વિશે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને તેમણે ડેથ-સર્ટિફિકેટ બનાવ્યાં હતાં. આવી અનેક માહિતી મારી પાસે આવ્યા બાદ મેં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી, પણ તેમણે મારી ફરિયાદ નોંધી નહોતી. અંતે મેં કોર્ટ સામે માહિતી રાખ્યા બાદ કોર્ટે પોલીસને જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. એ પછી મુલુંડ પોલીસે શુક્રવારે સાંજે જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટ અને તેમની સંસ્થાનાં ટ્રસ્ટીઓ વીરેન્દ્ર યાદવ, જ્યોતિ ઠક્કર, બી. સી. વકીલ, રતનલાલ જૈન, દીપક જૈન અને દીપ્તિ મહેતા સામે હત્યા સહિતની અનેક કલમ લગાવીને ફરિયાદ નોંધી હતી.’
મુલુંડના પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) ભૂષણ ડાયમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં આઇસીયુ વૉર્ડમાં ડૉક્ટરોનો કૉન્ટ્રૅક્ટ લેનાર ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ સામે અમે ફરિયાદ નોંધી છે. આ કેસમાં ડૉક્ટરની બેદરકારીને કારણે થયેલાં મૃત્યુને લીધે તેમની સામે અમે હત્યાનો ગુનો નોંધ્યો છે. જોકે અત્યારે અમે કોઈની ધરપકડ કરી નથી.’
શું છે સ્પષ્ટતા?
મુલુંડ અગ્રવાલ મ્યુનિસિપલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો.સ્નેહા ખેડેકરએ `મિડ-ડે`ને કહ્યું હતું કે ફરિયાદ થઇ હોવાની માહિતી મને મળી છે જેના સંદર્ભમાં સંસ્થાને અહીંથી રીલિઝ કરવા માટેના પેપર વર્ક કરવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં એ કામ પૂરું થશે. જોકે હાલમાં સંસ્થાના ડૉકટરો અહીં દર્દીઓને ટ્રીટ કરી રહ્યા છે જેના પર અમે ધ્યાન આપી રહ્યા છે.

