મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતા સંજય શિરસાટ અને શંભુરાજ દેસાઈએ અમે જ મોટા ભાઈ હોવાનું કહ્યું તો પક્ષના પ્રવક્તા સંજય નિરૂપમે BJPને મોટા ભાઈ કહ્યા
સંજય નિરૂપમ
ભારતીય જનતા પાર્ટી (BJP) અને બાળાસાહેબ ઠાકરેની શિવસેનાની પચીસ વર્ષ જૂની યુતિનો ૨૦૧૯માં મોટા ભાઈ અને નાના ભાઈની રાજનીતિને લીધે અંત આવ્યો હતો. કૉન્ગ્રેસ અને શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) સાથે હાથ મિલાવીને ઉદ્વવ ઠાકરેની મુખ્ય પ્રધાન તરીકેની આગેવાનીમાં અઢી વર્ષ સરકાર ચાલી હતી. એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેનું આ પગલું નહોતું ગમ્યું એટલે તેમણે ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને BJP સાથે સરકાર બનાવી હતી. એ પછી NCPમાં અજિત પવારે પણ કાકા શરદ પવાર સામે બળવો કર્યો હતો અને તેઓ સરકારમાં સામેલ થયા હતા. મહારાષ્ટ્રમાં સત્તાધારી BJP, NCP અને શિંદેસેનાએ મહાયુતિમાં લોકસભાની ચૂંટણી લડી હોવા છતાં તેમને ૪૮માંથી માત્ર ૧૭ જ બેઠક મળી છે. લોકસભાની ચૂંટણી BJPની આગેવાનીમાં લડવામાં આવી હતી અને એને જ અપેક્ષાથી ઘણી ઓછી બેઠકો મળતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતા સંજય શિરસાટ અને શંભુરાજ દેસાઈએ મહારાષ્ટ્રમાં BJP નહીં પણ શિવસેના જ મોટો ભાઈ હોવાનો દાવો કર્યો છે.
જોકે શિવસેનાના પ્રવક્તા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરૂપમે ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘મહાયુતિમાં BJP જ મોટા ભાઈ છે. BJP મોટી પાર્ટી છે એમાં કોઈ શંકા નથી. અમારો સ્ટ્રાઇક-રેટ સારો છે, પણ BJP રાજ્યની સાથે દેશમાં પણ મોટો પક્ષ છે. લોકસભાની ચૂંટણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીમાં લડવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ લડવામાં આવશે એવું ખુદ દેવેન્દ્ર ફડણવીસે એકથી વધુ વખત કહ્યું છે.’

