બસ-ડ્રાઇવરે બ્રેકમાં ફૉલ્ટ આવ્યો હોવાનો દાવો કર્યો : કહ્યું કે બસને ટર્ન મારીને રોકવા સિવાય બીજો વધુ સારો વિકલ્પ નહોતો
ગઈ કાલે સાયન હૉસ્પિટલમાં વિકાસ પદારે. તસવીર : રિતિકા ગોંધળેકર
બસ-ડ્રાઇવરે બ્રેકમાં ફૉલ્ટ આવ્યો હોવાનો દાવો કર્યો : કહ્યું કે બસને ટર્ન મારીને રોકવા સિવાય બીજો વધુ સારો વિકલ્પ નહોતો, જો બસ સીધી લઈ ગયો હોત તો વધુ લોકોને ઈજા થઈ હોત અને વધુ માલસામાનનું નુકસાન થયું હોત, હું વર્ષોથી બસ ચલાવું છું પણ મેં આજ સુધી ઍક્સિડન્ટ નથી કર્યો
દાદરમાં પ્લાઝા સિનેમા જંક્શન નજીક BEST બસ પરનો કાબૂ ગુમાવ્યાના એક દિવસ પછી બસ-ડ્રાઇવર વિકાસ પદારે સાયન હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. તેને પોતાની ઈજાની પીડા તો છે જ, પણ સાથે જ અકસ્માતના આઘાતથી પણ તે પીડાઈ રહ્યો છે.
ADVERTISEMENT
હૉસ્પિટલમાંથી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ૪૨ વર્ષના વિકાસ પદારેએ અકસ્માત પહેલાંની ભયાનક ક્ષણો વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે ‘મેં ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવાના મારાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા હતા. બસ અચાનક નિયંત્રણની બહાર ચાલી ગઈ અને થોડી સેકન્ડોમાં જ હું ફક્ત મોટી દુર્ઘટનાને રોકવા વિશે વિચારી શક્યો.’
વિકાસ પદારેએ કહ્યું કે ‘સોમવારે મને કુલ ત્રણ ટ્રિપ સોંપવામાં આવી હતી. મેં પહેલાં પ્લાઝા સિનેમા અને ધારાવી ડેપો વચ્ચે રૂટ-નંબર 463ની બસ ચલાવી, ત્યાર બાદ મારે રૂટ-નંબર 164 પર એક રાઉન્ડ કરવાનો હતો. હું મારી બીજી ટ્રિપ પછી આરામ કરી રહ્યો હતો. દરેક ટ્રિપ વચ્ચે અમને એક કલાકનો વિરામ આપવામાં આવે છે. મને મારા ઉપરી અધિકારી તરફથી મારો ત્રીજો રાઉન્ડ શરૂ કરવા માટે ફોન આવ્યો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું સોમવારે મારી ફરજ પૂર્ણ નહીં કરી શકું.’
દુર્ભાગ્યપૂર્ણ ત્રીજો રાઉન્ડ
વિકાસ પદારેએ કહ્યું કે ‘મે વીર કોટવાલ ગાર્ડનથી બસ શરૂ કરી અને પ્લાઝા સિનેમાના પહેલા સ્ટૉપ તરફ જઈ રહ્યો હતો. જેમ મેં બ્રેક પર પગ રાખ્યો અને હૅન્ડબ્રેક છોડી, બસે ગતિ પકડી. મેં ફરીથી બ્રેક મારવાનો અને હૅન્ડબ્રેક ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઇવિંગ મોડમાં રહેલી બસ બિલકુલ રોકાઈ નહોતી રહી. મેં વીર કોટવાલ ગાર્ડનથી પ્લાઝા સર્કલ તરફ આગળ વધતી વખતે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે મને ખ્યાલ આવ્યો કે બ્રેકમાં ચોક્કસપણે કંઈક ફૉલ્ટ છે ત્યારે મેં ફક્ત જાન અને માલને ઓછામાં ઓછું નુકસાન થાય એની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.’
બસ કેમ ફેરવવામાં આવી?
વિકાસ પદારેએ વધુમાં જણાવ્યું કે ‘બસને આગળ વધવા દેવાને બદલે એને ફેરવવી એ એકમાત્ર વિકલ્પ હતો. જો મેં બસને આગળની કોઈ પણ વસ્તુ સાથે અથડાવા દીધી હોત તો વધુ લોકો ઘાયલ થયા હોત, એથી મેં એને સેનાભવન તરફ ફેરવી, પરંતુ એ જગ્યાએ ભારે ભીડ જોઈ કે તરત જ મેં વ્હીલ જમણી તરફ ફેરવ્યું, બસનું સ્ટીઅરિંગ દાદર ટીટી સર્કલ તરફ કર્યું, કારણ કે ત્યાં કોઈ વાહનો નહોતાં અને ક્રેન ત્યાં પાર્ક કરેલી હતી. બસ ક્રેન સાથે અથડાવાનું કારણ એ હતું કે બસને રોકી શકાય.’
