કોઈ માટે સ્કૂલ-કૉલેજના દિવસોની સાથી રહી તો કોઈ માટે નોકરીની સફરની સાક્ષી બની. શતાબ્દીની ઉજવણી પ્રસંગે મુંબઈગરા ગુજરાતીઓ સાથે તેમની BEST સાથેની યાદોને મમળાવીએ.
BEST બસ
૧૫ જુલાઈએ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST)ની મોટર-બસ સર્વિસને ૧૦૦ વર્ષ પૂરાં થયાં. ૧૦૦ વર્ષ પહેલાં સૌપ્રથમ મોટર-બસ અફઘાન ચર્ચથી ક્રૉફર્ડ માર્કેટના રૂટ પર દોડી હતી. એક સદી બાદ ફરીથી એ જ રૂટ પર BESTના ચાહકો, ઇતિહાસકારો અને નિવૃત્ત કર્મચારીઓએ હેરિટેજ બસ-રાઇડનું આયોજન કરીને જૂનાં સંસ્મરણોને તાજાં કર્યાં. BESTની બસ મુંબઈગરાઓના જીવનનો હિસ્સો રહી છે. કોઈ માટે સ્કૂલ-કૉલેજના દિવસોની સાથી રહી તો કોઈ માટે નોકરીની સફરની સાક્ષી બની. શતાબ્દીની ઉજવણી પ્રસંગે મુંબઈગરા ગુજરાતીઓ સાથે તેમની BEST સાથેની યાદોને મમળાવીએ.
બૉલીવુડનું BEST કનેક્શન
ADVERTISEMENT
હિન્દી સિનેમા અને મુંબઈની BESTની બસ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. BESTની બસ રોમૅન્ટિક બૅકડ્રૉપ, સંગીતમય સેટ અને સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે વણાયેલી હતી. ૧૯૫૦થી ૧૯૭૦ના દાયકામાં BEST દ્વારા સિંગલ-સ્ક્રીન થિયેટરોના રૂટ પર ‘સિનેમા સ્પેશ્યલ’ બસ દોડાવવામાં આવતી હતી. ૧૯૭૫માં બનેલી ‘છોટી સી બાત’માં અમોલ પાલેકર અને વિદ્યા સિંહાનો પ્રેમ લાલ રંગની ડબલ ડેકર બસમાં પાંગરતો દર્શાવાયો હતો. આ ફિલ્મનું ‘જાનેમન જાનેમન તેરે દો નયન’ ગીત BESTમાં પ્રવાસ કરતાં અનેક પ્રેમી પંખીડાંઓનું પ્રિય હતું. આવું જ એક બેસ્ટમાં શૂટ થયેલું ઑલટાઇમ ફેવરિટ ગીત હતું ૧૯૮૦માં બનેલી ફિલ્મ ‘શાન’નું ‘જાનુ મેરી જાઁ, મૈં તેરે કુરબાન...’ ૧૯૮૨માં આવેલી ‘સનમ તેરી કસમ’ ફિલ્મમાં કમલ હાસન BESTની બસની બહાર લટકીને રીના રૉયનું દિલ જીતવાનો પ્રયાસ કરે છે અને ટાઇટલ સૉન્ગ પણ બસમાં ફિલ્માવાયું હતું. ૧૯૯૧ની ફિલ્મ ‘દિલ હૈ કિ માનતા નહીં’માં આમિર ખાન અને પૂજા ભટ્ટની ક્લાસિક રોમૅન્ટિક રોડ-ટ્રિપનું શૂટિંગ પણ BESTની બસમાં થયું હતું. ૨૦૦૯માં આવેલી ગોવિંદા અભિનીત કૉમેડી ફિલ્મ ‘ચલ ચલા ચલ’ જાહેર પરિવહન અને ખાનગી બસ વચ્ચે સ્પર્ધા પર આધારિત હતી. BESTના સિનેમેટિક ઇતિહાસને નજીકથી જોવા સાયન ખાતે અણિક ડેપોમાં આવેલા BEST મ્યુઝિયમની મુલાકાત લેવા જેવી છે. અહીં કેટલાક દુર્લભ ફોટોગ્રાફ્સ અને ટિકિટ પણ જોવા મળશે.
BESTની ગઈ કાલ અને આજ
BESTની મોટર-બસ સર્વિસની શરૂઆત ૧૯૨૬ની ૧૫ જુલાઈએ અફઘાન ચર્ચ (કોલાબા) અને ક્રૉફર્ડ માર્કેટ વચ્ચેના રૂટ પર ૨૪ બસ સાથે થઈ હતી. એ પહેલાં ૧૮૭૩-૧૯૨૬ વચ્ચે મુંબઈમાં ટ્રામ દોડતી હતી. ૧૮૭૩માં બૉમ્બે ટ્રામવે કંપની લિમિટેડ તરીકે રચાયેલી આ સેવાનું નામ બદલીને બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રામવેઝ કંપની (BEST) રાખવામાં આવ્યું.
૧૯૩૭માં મુંબઈની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને ડબલ ડેકર બસો શરૂ કરવામાં આવી હતી.
૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી મ્યુનિસિપલ કૉર્પોરેશને માલિકી મેળવી, ટ્રામવેઝ શબ્દને પડતો મૂક્યો અને બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ તરીકે રીબ્રૅન્ડિંગ કર્યું.
૧૯૬૧માં મુંબઈનાં ઉપનગરોમાં ૧૦૦૦ બસો દોડતી હતી.
૧૯૯૫માં બૉમ્બે શહેરનું નામ બદલીને મુંબઈ રાખવામાં આવ્યા બાદ એને પ્રતિબિંબિત કરવા માટે કંપનીએ ફરી રીબ્રૅન્ડિંગ કરીને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ નામ રાખ્યું.
૨૦૨૩માં બેસ્ટે ભારતની પ્રથમ AC ડબલ ડેકર બસ શરૂ કરી હતી.
આજે શહેરભરમાં ૪૦૦થી વધુ રૂટ પર દરરોજ લગભગ પચીસ લાખ મુંબઈગરાઓ બેસ્ટની સેવાનો લાભ લે છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે BEST દ્વારા ઇલેક્ટ્રિક અને ઍર-કન્ડિશન્ડ બસોનો કાફલો વધારવામાં આવ્યો છે. જોકે બેસ્ટની માલિકીની બસોની સંખ્યા ઘટીને ૨૪૯ થઈ ગઈ છે. બાકીની ૨૫૫૧ બસ કૉન્ટ્રેક્ટ પર છે.
ડબલ ડેકર બસની અપર ડેક પર પ્રેમ પાંગર્યો

BESTની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે અમારા જીવનની મીઠી યાદોને ફરી જીવંત કરી દીધી છે. અમારી પહેલી મુલાકાત થઈ ત્યારે આઠમા ધોરણમાં ભણતાં હતાં. બન્નેની સ્કૂલ અલગ હતી પણ ક્લાસિસ એક હતા. કાંદિવલી સ્ટેશન પાસે આવેલા વ્યાસ ક્લાસિસમાં મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ. એ સમયે આજની જેમ મોબાઇલ ફોન કે સોશ્યલ મીડિયા નહોતાં. ખિસ્સાખર્ચ પણ મર્યાદિત હતો. પરિવારની કે ઓળખીતાઓની નજરે ચડી જઈએ તો બન્નેએ અલગ થવું પડશે એવી સતત ભીતિ મનમાં રહેતી. એવા સમયે અમારી સૌથી વિશ્વાસુ સાથી બની હતી BESTની બસ-નંબર ૨૦૩. એ બોરીવલીથી જુહુ સુધી દોડતી ડબલ ડેકર બસ હતી. દર શનિવારે બપોરે કાંદિવલીના બાલભારતી સ્ટૉપ પરથી અમે બસમાં ચડતા અને ઉપરના ડેકમાં આગળની અથવા બીજી હરોળની બેઠક મેળવવાનો પ્રયત્ન કરતા. ઉપરથી મુંબઈના રસ્તાઓ જોતાં-જોતાં પ્રેમના તાંતણે બંધાયા. જુહુ ડેપો સુધી પહોંચતાં બસ લગભગ ખાલી થઈ જતી, પરંતુ અમારી સફર ત્યાં પૂરી થતી નહોતી. ફરી એ જ બસની કતારમાં સૌથી આગળ ઊભા રહીને રિટર્ન પ્રવાસ કરતા. અમારા માટે આ પ્રવાસ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો રસ્તો નહોતો, એકબીજાની નજીક રહેવા માટે મળતો અમૂલ્ય સમય હતો. દર અઠવાડિયે અમને જોઈને બસના કન્ડક્ટર પણ હળવું સ્મિત કરી લેતા. અમારી પ્રેમકથાની સૌથી યાદગાર ક્ષણ પણ BEST સાથે જોડાયેલી છે. એ વખતે અમે બન્ને બાલભારતી કૉલેજમાં અભ્યાસ કરતાં. કાંદિવલીથી પુષ્પા પાર્ક જતી ૨૮૧ નંબરની બસમાં કાંદિવલી સ્ટેશનથી ચડ્યા પછી દરવાજાની બાજુમાં આવેલી પાછળથી બીજી બેઠક અમારી મનગમતી જગ્યા હતી. એક દિવસ એ જ બેઠક પર પૂનમે મારા હાથમાં પ્રેમપત્ર મૂક્યો અને જીવનભરનો સાથ માગ્યો. વર્ષો વીતી ગયાં, રસ્તાઓ બદલાયા, સમય બદલાઈ ગયો પરંતુ યાદો જીવંત છે. BESTમાં પાંગરેલો પ્રેમ લગ્નમંડપ સુધી પહોંચ્યો. ૨૦ વર્ષથી અમે સુખી દામ્પત્યજીવન જીવી રહ્યાં છીએ.
ખભા પર સ્કૂલનું દફ્તર અને ૧૦ પૈસાની ટિકિટ

BESTની બસ સાથે મારી અઢળક યાદો છે. ૧૯૮૧માં ફોર્ટના બોરાબજારમાં બાઈ કબીબાઈ હાઈ સ્કૂલમાં જવા દરરોજ ગિરગામથી GPO અથવા હૅન્ડલૂમ હાઉસની બસ પકડતો. એ વખતે ટિકિટના ૧૦ પૈસા હતા. ઘરેથી આવવા-જવાના ૨૦ પૈસા મળતા. પૉકેટ-મની જેવું હતું નહીં. સવારે ૧૦ વાગ્યે ૬૧, ૬૫, ૬૬, ૬૯, ૧૨૬માંથી જે નંબરની બસ આવે એમાં ચડી જવાનું. ખભા પર દફ્તર ઉપાડીને ક્યારેક ભાગીને બસ પકડવાની પણ મજા હતી. ચોમાસામાં રેઇનકોટની અંદર દફ્તરને લીધે બીજા પ્રવાસીઓને ધક્કો ન લાગે અને તેમનાં કપડાં ન બગડે એનું ધ્યાન રાખતો. જોકે ક્યારેક કોઈક પ્રવાસીનું મોઢું બગડે અને ઝઘડો પણ થાય. ૧૯૮૧થી ૧૯૮૭ સુધી પાંચમા ધોરણથી દસમા ધોરણ દરમ્યાન BESTનો પ્રવાસ માણ્યો છે. ત્યાર બાદ હિન્દુજા કૉલેજમાં પ્રવેશ લીધો. કૉલેજ ઘરની નજીક હોવાથી BEST છૂટી ગઈ. FYBComમાં મારા ક્લાસિસ કેમ્પ્સ કૉર્નરમાં હતા ત્યારે ફરીથી BESTમાં જવાનું થતું. ડબલ ડેકર અને સિંગલ ડેકર ઉપરાંત વિચિત્ર આકારની બસ-નંબર ૭૪માં પણ પ્રવાસ કર્યો છે. આ રૂટ મારા ઘર તરફ નથી જતો, પરંતુ ચર્ની રોડ સ્ટેશન થઈને જાય. આગળનો ભાગ છૂટો પડે એવી બસમાં પ્રવાસ કરવાનો પણ આનંદ થતો. આજે પણ ઘણી વાર ખારમાં આવેલી ઑફિસ જવા બસનો ઉપયોગ કરું છું. જોકે હવે ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ છે. પહેલાં જેવી મજા નથી આવતી. ભાગમભાગવાળી જિંદગીમાં બસની રાહ જોવાનો કંટાળો આવે છે. આથી અન્ય વાહનો તરફ વળી જાઉં છું. જોકે સ્કૂલના દિવસો આજેય સાંભરે છે. ઘણી વાર મારી દીકરીઓને ગર્વ સાથે કહું કે અમે ૧૦ પૈસામાં સ્કૂલમાં જતા તોય ખુશીનો પાર નહોતો.
પપ્પાએ BESTમાં ફરવા પ્રોત્સાહિત કર્યો
૧૫ જુલાઈએ યોજાયેલી BESTની શતાબ્દીની ઉજવણીમાં કમ્યુનિટી ગ્રુપ દ્વારા આમંત્રણ મળ્યું એ પળ યાદગાર હતી. બેસ્ટના પ્રથમ રૂટ પર ફરીથી પ્રવાસ કરવાનો આનંદ અનેરો હતો. ઇવેન્ટ દરમ્યાન BESTના ચાહકોએ તેમનાં સંસ્મરણો શૅર કર્યાં. મારી પણ જૂની યાદો તાજી થઈ ગઈ. બાળપણમાં મમ્મી ડીઝલથી ચાલતી બસમાં લઈ જતી. પપ્પા BESTના ચાહક હતા. માહિમથી કોલાબા રૂટનો ૧૫ રૂપિયાનો વન-ડે પાસ આપીને મને કહેતા કે જા, મુંબઈ શહેરનો ભોમિયો બનજે. ત્યાર બાદ વન-ડે પાસની કિંમત પચીસ રૂપિયા થઈ ગઈ અને હવે ઑનલાઇન મળે છે. તેમણે મને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યો. પાસ કઢાવીને બસમાં ફરવા નીકળી જતો. BESTને લીધે હું મારા શહેરને નજીકથી ઓળખી શક્યો. ગયા વર્ષે પપ્પા અવસાન પામ્યા પણ BEST માટેની ચાહત મૂકતા ગયા. હંમેશાં BEST વિશે જાણવાની ઉત્સુકતા રહી છે. મોટા ભાગના મુંબઈગરાની લાઇફલાઇન લોકલ ટ્રેન છે, પરંતુ મારી જીવાદોરી લાલ બસ છે. દાદરથી ૪૪૦ નંબરની બસ પકડીને બોરીવલી ડિલિવરી માટે જાઉં છું. ફાઇવ સિરીઝની આ બસને બ્રિજ ચડતી વખતે સ્ટ્રગલ કરવી પડે છે. કામકાજ માટે ઍન્ટૉપ હિલ અને પ્રભાદેવી પણ જવાનું થાય છે. વરલી ડેપોથી સાયન સર્કલ થઈને ટ્રૉમ્બે જવા ૬૩૬ નંબરમાં પ્રવાસ કરતો. હવે રૂટ અને બસ-નંબર બદલાઈ ગયા છે. કોઈક વાર અમસ્તા જ બસનો પ્રવાસ એન્જૉય કરવા ૩૧૫ નંબરની બસમાં પ્રતીક્ષાનગરથી પ્રતીક્ષાનગર રાઉન્ડ ટ્રિપ જતો. જોકે હવે એ પણ બંધ થઈ ગઈ છે. વડાલા ડેપોથી માલવણી ડેપો જતી ૨૪૧ નંબરની જૂની ડીઝલ બસ થ્રી સિરીઝની હતી. બસની સિરીઝ યાદ રાખવાનો શોખ છે. મને હંમેશા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરવાની મજા આવે છે. બસનો પ્રવાસ લોકલની સરખામણીમાં આરામદાયક છે. એન્ડ ટુ એન્ડ જર્ની કમ્ફર્ટેબલ લાગે છે અને ક્રાઉડ નથી હોતું. જોકે દિનપ્રતિદિન BESTના પૅસેન્જરો ઓછા થઈ રહ્યા છે.
બસમાં ફરતાં-ફરતાં મુંબઈના રસ્તા બરાબર યાદ રહી ગયા

દાદરમાં જાખાદેવી મંદિર પાસે અમારું કાપડનું કારખાનું હતું જે મોટા ભાઈ સંભાળતા. કચ્છથી હું મુંબઈ આવ્યો, પણ અહીંના રસ્તા યાદ ન રહે. નાના ગામમાંથી મોટા શહેરમાં આવ્યા હોઈએ એટલે ભય લાગે. વારંવાર કહેતો કે મુંબઈમાં આપણું કામ નહીં, કચ્છ પાછો ચાલ્યો જાઉં છું. મોટા ભાઈ દરરોજ બસનો રૂટ સમજાવે કે સાયન-ચૂનાભઠ્ઠીથી દાદરના પ્લાઝા સિનેમા થઈને મુંબઈ જે. એમ. મહેતા માર્ગ સુધી જતી ૬૩ નંબરની બસમાં ચડવાનું અને જાખાદેવી મંદિર અથવા શેતાન ચોકી ઊતરી જવાનું; સમજણ ન પડે તો કન્ડક્ટરને કહી દેજે, સ્ટૉપ આવશે એટલે જણાવશે. મારું કામ સેલ્સમૅન જેવું હતું. ફરી-ફરીને ઑર્ડર લાવવાના. BESTમાં ફરતાં-ફરતાં રસ્તાઓ યાદ રહી ગયા અને કૉન્ફિડન્સ ડેવલપ થયો. BESTની મુસાફરીએ મને મુંબઈમાં સ્થાયી થવામાં મદદ કરી. ત્યાર બાદ બાંદરામાં લિન્કિંગ રોડ પર બિઝનેસ શરૂ કર્યો. શેતાન ચોકીથી બસની ટિકિટના ૮૦ પૈસા થતા. દાદર કબૂતરખાનાથી નૅશનલ કૉલેજની બસની ટિકિટ ૫૦ પૈસાની હતી. જતાં-આવતાં ૬૦ પૈસા બચાવવા થોડું ચાલી લેતો. બચાવેલા પૈસામાંથી વડાપાંઉ ખાવાનો આનંદ ઉઠાવ્યો છે. પછી તો લગ્ન થયાં, સંતાનો થયાં અને જીવનમાં ઠરીઠામ થયા. મુંબઈમાં ગણેશોત્સવની રોનક જોવા બસમાં પ્રવાસ કરતા. ઘરેથી નાસ્તો-પાણી લઈને બાળકો સાથે ઘાટકોપર ડેપોમાંથી ૩૮૫ નંબરની ડબલ ડેકર બસમાં ઉપલા ડેકની વિન્ડો પાસે બેસી જતા. બસ ધીમે-ધીમે ચાલતી પ્લાઝા સિનેમાના બ્રિજ સુધી જાય. રસ્તામાં ગણપતિની મૂર્તિઓ જોવા મળે. સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પણ આ રીતે જ જતા હતા. ૭૦ નંબરની બસની સફર પણ કરી છે. આ બસનો આગળનો ભાગ ટ્રેલર જેવો હતો અને પાછળનો ભાગ એની સાથે જૉઇન્ટ કર્યો હતો. બસ ચાલે ત્યારે આગળનો ભાગ હાથીની જેમ હાલકડોલક થતો. દાદરની ફૂલગલીથી લોઅર પરેલ જવા માટે એનો ઉપયોગ કરતો. આવી અનેક યાદો આજે પણ માનસપટ પર જીવંત છે.
