૪૯૪ કરોડ રૂપિયાના ખર્ચે થશે મંદિરનું બ્યુટિફિકેશન, રિદ્ધિ અને સિદ્ધિ નામનાં બે મોટાં પ્રવેશદ્વાર બનશે
સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર
પ્રભાદેવીના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનું ૪૯૪ કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે મંદિર પરિસરમાં એક પ્રસાદાલય બનાવવામાં આવશે. શિર્ડીની જેમ જ દર્શને આવતા ભક્તોને અહીં પણ નિ:શુલ્ક ભોજન મળી રહેશે. ભોજનમાં રોટલી, દાળ-ભાત, શાક અને મીઠાઈ પીરસવામાં આવશે. બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત પૅસેન્જર-લિફ્ટ, બેઝમેન્ટ-પાર્કિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. મંદિરનું પ્રવેશદ્વાર બદલીને બે મોટાં પ્રવેશદ્વાર બનાવવામાં આવશે, જેનાં નામ રિદ્ધિ અને સિદ્ધિ દ્વાર રાખવામાં આવશે. બે સદી જૂના આ મંદિરમાં મૉડર્ન ફૅસિલિટી ઉપલબ્ધ કરાવીને દર્શનાર્થીઓને વધુ સારી રીતે દર્શન થાય એવી સુવિધા આપવામાં આવશે. મંદિરને અડીને આવેલા રામ મૅન્શન બિલ્ડિંગને લઈને જગ્યા વધારવાની વાટાઘાટો ચાલી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને પહેલા તબક્કાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામ માટે ૭૮ કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડ્યાં છે.


