બદલાપુરની ચોંકાવનારી ઘટના : પોલીસને વૉટ્સઍપ પર મળેલા એક વિડિયોથી ચોંકાવનારી હત્યાનો ખુલાસો થયો
પ્રતીકાત્મક તસવીર
બદલાપુર-વેસ્ટના બોરાડપાડા વિસ્તારમાં આવેલા જગન્નાથ પૅરૅડાઇઝમાં રહેતા ૪૪ વર્ષના કિશન પરમારનું ગળું દબાવીને પુરાવા નષ્ટ કરવાના ઇરાદાથી તેની ડેડ-બૉડી ઉલ્હાસ નદીમાં ફેંકી દીધી હોવાની ચોંકાવનારી ઘટના શુક્રવારે સવારે પ્રકાશમાં આવી હતી. આ મામલે બદલાપુર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને ગઈ કાલે સવારે હત્યા કરવાના અને ડેડ-બૉડીને નદીમાં ફેંકવાના આરોપસર કિશનની પત્ની મનીષા અને તેના બૉયફ્રેન્ડ લક્ષ્મણ ભોઈરની ધરપકડ કરી હતી. મનીષાને ત્રણ મહિનાથી તેના જ બિલ્ડિંગમાં રહેતા લક્ષ્મણ સાથે પ્રેમ થયો હતો જેની જાણ કિશનને થતાં બન્ને વચ્ચે વિવાદ થયો હતો. એ પછી બૉયફ્રેન્ડ સાથેના સંબંધો સાચવવા માટે ગુરુવારે રાતે કિશનની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
વૉટ્સઍપ પર મળેલા એક વિડિયોથી ચોંકાવનારી હત્યાનો કેસ પ્રકાશમાં આવ્યો હતો એમ જણાવતાં બદલાપુરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કિશોર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે અમારા પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલા એક અધિકારીને વૉટ્સઍપ પર એક વિડિયો જોવા મળ્યો હતો જેમાં ગુરુવારે મોડી રાતે જગન્નાથ પૅરૅડાઇઝમાંથી સ્કૂટર પર સૂવા માટે વપરાતી ગાદીમાં એક ડેડ-બૉડી લઈ જવાતી હતી અને એ ગાદી સાથે ડેડ-બૉડી ઉલ્હાસ નદીમાં ફેંકવામાં આવી હોવાનું વિડિયોમાં જોવા મળ્યું હતું એટલે તાત્કાલિક અમે વિડિયો મોકલનારનો સંપર્ક કરી વધુ માહિતી મેળવીને એક ટીમ જગન્નાથ પૅરૅડાઇઝમાં મોકલી હતી અને બીજી ટીમ ઉલ્હાસ નદીમાં તપાસ માટે પહોંચી ગઈ હતી.’
ADVERTISEMENT
ઉગ્ર દલીલ બાદ હત્યા થઈ
સિનિયર ઇન્સ્પેક્ટર કિશોર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જગન્નાથ પૅરૅડાઇઝમાં વિડિયોમાં દેખાતા લોકો વિશેની તપાસ કરતાં તેમની ઓળખ મનીષા અને લક્ષ્મણ તરીકે થઈ હતી. તેમના વિશે પૂછપરછ હાથ ધરવામાં આવતાં બન્ને ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ મનીષાના ઘર પાસે જઈને પૂછપરછ કરતાં પાડોશીએ કહ્યું હતું કે ગુરુવારે રાતે મનીષા અને કિશન વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. એ ઉપરાંત ફાયર-બ્રિગેડની મદદથી શુક્રવારે મોડી રાતે કિશનની ડેડ-બૉડી રિકવર કરીને એને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવતાં ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ મનીષા અને લક્ષ્મણે મળીને હત્યા કરી હોવાની ખાતરી થતાં અમે બન્નેની શોધખોળ હાથ ધરીને ગઈ કાલે સવારે બન્નેની ધરપકડ કરી હતી. ગુરુવારે સાંજે કિશન અને મનીષા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી એ દરમ્યાન મનીષાએ લક્ષ્મણને ઘરે બોલાવીને દોરડીની મદદથી કિશનનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. તે મૃત્યુ પામ્યો હોવાની ખાતરી કર્યા પછી તેમણે મૃતદેહને ગાદીમાં લપેટીને નદીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત
કરી હતી.’
બન્નેનાં બીજાં લગ્ન
સિનિયર ઇન્સ્પેક્ટર કિશોર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બદલાપુરમાં નેમપ્લેટ તૈયાર કરવાનો વ્યવસાય કરતા કિશનનાં આ પહેલાં અન્ય મહિલા સાથે લગ્ન થયાં હતાં જે પછીથી તૂટી ગયાં હતાં. ત્યાર બાદ મૂળ રાજસ્થાનમાં રહેતી મનીષા સાથે તેનાં બીજાં લગ્ન થયાં હતાં એટલું જ નહીં, મનીષાનાં પણ કિશન સાથે આ બીજાં લગ્ન હોવાની પ્રાથમિક માહિતી મળી છે. કિશનનો પરિવાર મુલુંડના કૉલોની વિસ્તારમાં રહે છે.’


