આરોપી સ્કિઝોફ્રેનિયાની બીમારીથી પીડાતો હોવાનો તેના વકીલનો દાવો, તપાસનો આદેશ આપ્યો કોર્ટે
ઝૈબ અન્સારી
મીરા રોડના નયાનગરમાં બે સુરક્ષાગાર્ડ પર તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ચપ્પુથી હુમલો કરનાર ઝૈબ અન્સારીને તેની અમેરિકન પત્નીએ કટ્ટરપંથી બનાવ્યો હોઈ શકે એવી શંકા ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ સોમવારે કોર્ટમાં વ્યક્ત કરી હતી. થાણેની સ્પેશ્યલ અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) કોર્ટે આરોપી ઝૈબ અન્સારીની પોલીસ-કસ્ટડી ૧૧ મે સુધી લંબાવી છે. દરમ્યાન તેના વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે આરોપી સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીથી પીડાય છે અને તેની મેડિકલ તપાસની માગણી કરી હતી જે કોર્ટે માન્ય રાખી છે.
ઝૈબ અન્સારીનાં લગ્ન ૨૦૨૩માં થયાં હતાં, પરંતુ ૨૦૨૫માં તેના છૂટાછેડા થઈ ગયા હતા. તેની પત્ની અફઘાન મૂળની અમેરિકન નાગરિક હતી. તે થોડા સમય માટે ભારતમાં રહેતી હતી, પરંતુ તેણે તેને છૂટાછેડા આપી દીધા હતા, કારણ કે તે અહીંના વાતાવરણમાં સેટ થઈ શકી નહોતી અને ત્યાંથી ચાલી ગઈ હતી. ATSને શંકા છે કે તેણે ઝૈબને કટ્ટરપંથના માર્ગે લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હશે. ઝૈબનો પરિવાર હાલમાં અમેરિકામાં સ્થાયી થયો છે જ્યારે વીઝાની મુદત પૂરી થયા પછી તે ભારત પાછો ફર્યો હતો.
ADVERTISEMENT
બીજી તરફ ઝૈબના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે ઝૈબ સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે. આ કારણસર તે લોકો સાથે ભળતો નહોતો. અમેરિકામાં તેના પરિવારના સભ્યોએ તેને ફોન પર આ સારવાર વિશે માહિતી આપી હતી. આ દાવાને ધ્યાનમાં લેતાં કોર્ટે પોલીસને આરોપીની મનોચિકિત્સક દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જ્યારે ઝૈબને પોલીસના વર્તન વિશે પૂછ્યું ત્યારે તેણે અમેરિકન ઉચ્ચારણમાં જવાબ આપ્યો હતો કે તે હિન્દી સમજી શકતો નથી અને કયા દસ્તાવેજ પર સહી લેવામાં આવી રહી છે એનો તેને સંપૂર્ણ ખ્યાલ નથી.
