ચેન્નઈમાં દરિયાઈ સ્વિમિંગ કૉમ્પિટિશનમાં બન્નેએ પોતપોતાની કૅટેગરીમાં પહેલી વાર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો
કૉમ્પિટિશનમાં બન્નેએ ગોલ્ડ મેળવ્યા બાદ વિનય અને હેત્વી શાહ.
ગોરેગામમાં રહેતા ૪૯ વર્ષના ફાઇનૅન્સ ઍડ્વાઇઝર વિનય શાહ અને તેમની દીકરી હેત્વી શાહ ૧૫ જૂને ચેન્નઈમાં યોજાયેલી ઍક્વા ફેસ્ટ સી સ્વિમ ચૅમ્પિયનશિપ 2025માં પહેલી વાર સાથે ગોલ્ડ મેડલ જીત્યાં છે. આવું બહુમાન મેળવનાર બાપ-દીકરીની આ પ્રથમ જોડી બની છે. વિનય શાહે તેમની પુરુષોની કૅટેગરીમાં અને હેત્વીએ મહિલાઓની કૅટેગરીમાં આ સિદ્ધિ મેળવી હતી. એવું નથી કે આ પહેલાં તેઓ મેડલ નથી જીત્યાં. એક જ કૉમ્પિટિશનમાં હેત્વી ગોલ્ડ અને વિનય શાહ સિલ્વર મેડલ જીત્યાં છે, પણ બન્નેએ ગોલ્ડ મેડલ પહેલી વાર મેળવ્યા છે.
બાપ-દીકરીની આ અનોખી સિદ્ધિ વિશે માહિતી આપતાં વિનય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને હેત્વી છેલ્લાં ૧૩ વર્ષથી ઓપન વૉટર સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છીએ. અમે ભારતમાં અલગ-અલગ જગ્યાએ દરિયો, નદી અને તળાવ બધે સ્વિમિંગ કર્યું છે. અમે સ્વિમિંગ તો નાનપણથી કરતાં હતાં, પણ સ્પર્ધામાં ભાગ લેવાનું ૨૦૧૨થી શરૂ કર્યું હતું. એ પછી અમે ઓપન વૉટર સ્વિમિંગ કૉમ્પિટિશનમાં ભાગ લેવા માંડ્યાં. હવે આ જ અમારું પૅશન છે. પહેલી વાર એવું બન્યું કે અમને બન્નેને સાથે ગોલ્ડ મેડલ મળ્યા. આ પહેલાં બાપ-દીકરીને બન્નેને એક જ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યા હોય એવું પ્રથમ વાર બન્યું છે. અમે રોજ બેથી અઢી કલાક સ્વિમિંગ-પ્રૅક્ટિસ કરીએ છીએ, પણ જ્યારે કૉમ્પિટિશન હોય તો એ પહેલાં અમે થોડો સમય વધારી દઈએ. હેત્વીનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ લેવાયું છે. એ પહેલી ટીનેજર છે જેણે ૨૬ કરતાં વધુ ઓપન વૉટર સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લીધો હોય, જ્યારે મેં ૫૭ ઓપન વૉટર સ્વિમિંગ કૉમ્પિટિશનમાં ભાગ લીધો છે.’

