જાહેર સ્થળોએથી રખડતા શ્વાનને ખસેડવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ વિસ્થાપન અને ક્રૂરતામાં વધારો કરી રહ્યા છે
સ્ટ્રે-ડૉગ્સ
રખડતા શ્વાનના સ્થળાંતર વિશે સુપ્રીમ કોર્ટના આદેશ અને ત્યાર બાદ ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા (AWBI) દ્વારા રજૂ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP)ના વિરોધમાં આજે પ્યૉર ઍનિમલ લવર્સ (PAL) વેલ્ફેર ફાઉન્ડેશને ઘાટકોપરમાં શાંતિપૂર્ણ રૅલીનું આયોજન કર્યું છે. આ રૅલીમાં પ્રાણીપ્રેમીઓ અને પશુ-પક્ષીઓ માટે લડતા કાર્યકરોનું એક મહત્ત્વપૂર્ણ એકત્રીકરણ થવાનું છે. આજે સાંજે પાંચ વાગ્યે વિક્રાન્ત સર્કલથી રૅલીની શરૂઆત થશે. વિક્રાન્ત સર્કલથી નીકળી ભાનુશાલીવાડી થઈને ત્યાંથી યુ-ટર્ન લઈને વિક્રાન્ત સર્કલમાં રૅલી ૭ વાગ્યે પૂરી થશે. આ રૅલીમાં ૧૦૦૦થી વધારે પ્રાણીપ્રેમીઓ જોડાશે જેમાં સેલિબ્રિટી અને વરિષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ હશે.
આ રૅલીનો હેતુ સ્ટ્રીટડૉગના અધિકારોને સમર્થન આપવાનો છે એમ જણાવતાં PALના સભ્ય રોશન પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાહેર સ્થળોએથી રખડતા શ્વાનને ખસેડવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ વિસ્થાપન અને ક્રૂરતામાં વધારો કરી રહ્યા છે. બળજબરીથી સ્થળાંતર કરાવવાથી શ્વાન એના કુદરતી વાતાવરણથી દૂર થઈ જશે જે એના સુરક્ષિત રીતે જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. આ નિર્દેશથી શ્વાનને ખવડાવનારા અને એને સાચવનારા લોકોમાં ભય પ્રસર્યો છે અને તેમની વેદનામાં વધારો થયો છે. આ રૅલીમાં AWBIની SOPનો વિરોધ કરવામાં આવશે. શ્વાન પરિચિત વાતાવરણમાં સૌથી સુરક્ષિત છે જ્યારે એને ખસેડવામાં આવશે ત્યારે શ્વાનનું મોત થવાની શક્યતા રહે છે. આ બાબતે રોજ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજથી જાહેર વિરોધની શરૂઆત કરવામાં આવશે. અમે પ્રાણીપ્રેમીઓને મોટી સંખ્યામાં રૅલીમાં આવીને વિરોધ નોંધાવવાની અપીલ કરી છે.’


