હાલના ઉપલબ્ધ ૪ ટ્રૅકમાંથી બે ટ્રૅકને ઊંચા કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરાર અને નાલાસોપારા વિસ્તારમાં ચોમાસા દરમ્યાન પાટા પર પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે વેસ્ટર્ન રેલવેએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ૨૦૧૯માં વસઈ સેક્શનમાં ટ્રૅકને ૨૦૦ મિલીમીટર ઊંચા કર્યા એનાં બરાબર ૭ વર્ષ બાદ હવે રેલવે પ્રશાસન આ પાટાઓને વધુ ૪૦૦ મિલીમીટર ઊંચા કરવાનું આયોજન કરી રહ્યું છે, જેથી ભારે વરસાદમાં પણ ટ્રેનો પૂરના પાણીની ઉપરથી સુરક્ષિત રીતે પસાર થઈ શકે.
આ સાથે જ મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC)ને પણ આદેશ આપવામાં આવ્યો છે કે બોરીવલી અને વિરાર વચ્ચે નખાઈ રહેલી પાંચમી અને છઠ્ઠી લાઇનના પાટા પણ આ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી ઘણી વધારે ઊંચાઈ પર બનાવવામાં આવે. હાલના ઉપલબ્ધ ૪ ટ્રૅકમાંથી બે ટ્રૅકને ઊંચા કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજર રામાશ્રય પાંડે દ્વારા મંગળવારે મુંબઈ સેન્ટ્રલથી વિરાર વચ્ચેની લાઇનનો ગ્રાઉન્ડ સર્વે, રીડિંગ્સ અને ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાડામાં ફસાયેલી રેલવે : શું છે પૂરનું મુખ્ય કારણ?
દર વર્ષે વરસાદ વખતે વસઈ-વિરાર તથા નાલાસોપારામાં પાણી ભરાઈ જવા પાછળનું કારણ જણાવતાં રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પાલઘર વિસ્તાર ઊંચાઈ પર આવેલો છે, જ્યારે વસઈ-વિરાર અને નાલાસોપારા નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે. ભારે વરસાદ વખતે પાણી ઊંચાઈવાળા વિસ્તારથી નીચાણવાળા વિસ્તાર તરફ વહે છે. જોકે શહેરીકરણને કારણે નૅચરલ ડ્રેનેજ ચૅનલ્સ તથા પૂરતાં સ્ટૉર્મવૉટર આઉટલેટ્સ ન હોવાથી વરસાદનું પાણી ઓસરતું નથી. એમાં પણ ખાસ કરીને નાલાસોપારા નજીક રેલવે કૉરિડોર પાસે પાણી જમા થઈ જાય છે. રેલવે-ટ્રૅક પર પાણીનું સ્તર વધતાં પ્રવાસીઓની સુરક્ષા માટે ટ્રેન-સર્વિસ બંધ કરવી પડે છે.’
