Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ વર્ષ સુધી ઓવેરિયન કૅન્સર સામે લડીને સંથારો લીધો અને એ પળવારમાં સીઝી ગયો

પાંચ વર્ષ સુધી ઓવેરિયન કૅન્સર સામે લડીને સંથારો લીધો અને એ પળવારમાં સીઝી ગયો

Published : 09 June, 2026 10:46 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

થાણેનાં રેખા ગાલાની આજે સવારે નીકળશે પાલખીયાત્રા

રેખા ગાલા

રેખા ગાલા


થાણેના નૌપાડામાં રહેતાં ૪૯ વર્ષનાં રેખા ગાલાએ પાંચ વર્ષ સુધી ઓવેરિયન કૅન્સર સામે સંઘર્ષ કરીને ગઈ કાલે સાંજે ૫.૩૫ વાગ્યે સંથારો લીધો હતો જે સંથારાની વિધિના પળભરમાં જ સમાધિભાવે સીઝી ગયો હતો. રેખાબહેને શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘમાં બિરાજમાન પરમ પૂજ્ય શ્રી નીલમશ્રીજી મહાસતીજી, પરમ પૂજ્ય શ્રી પ્રવીણાશ્રીજી મહાસતીજી અને પરમ પૂજ્ય શ્રી સરિતાજી મહાસતીજીની અને અન્ય નવ મહાસતીજીઓની નિશ્રામાં પરમ પૂજ્ય શ્રી નિસંગીનીશ્રીજી મહાસતીજીના મુખેથી આજીવન સંથારાના એટલે કે અનશનના પચ્ચખાણ લીધા હતા. તેમની પાલખીયાત્રા આજે સવારના ૯.૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

આ બાબતની માહિતી આપતાં રેખાબહેનના પતિ અને પ્લાસ્ટિકના વેપારી નીતેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં ૪૪ વર્ષની ઉંમરે રેખાને ઓવેરિયન કૅન્સર ડિટેક્ટ થયું હતું. પાંચ વર્ષની અંદર રેખાએ ૧૫૦ કીમોથેરપી લીધી હતી અને તેના પર ત્રણ સર્જરી થઈ હતી. ૬ મહિના પહેલાં જ અમારી દીકરીનાં લગ્ન થયાં છે. અમારે ૧૯ વર્ષનો દીકરો છે. રેખાની તબિયત લથડતી ગઈ ત્યારે જ મારા ડૉક્ટર ભાઈ હિતેષે તેને આત્મા-પરિવર્તન માટે સંથારો લેવાની સલાહ આપી હતી, પરંતુ રેખા તૈયાર નહોતી થઈ. જોકે હમણાં-હમણાં તેની પીડા અસહ્ય બની ગઈ હતી જેને પરિણામે ગઈ કાલે તેણે સંથારો લેવાનો નિર્ણય કર્યો હતો. મહાસતીજીની સંથારાની વિધિ ચાલતી હતી ત્યારે જ એ સમાધિ તરફ પ્રયાણ કરવા લાગી હતી. સંથારાની વિધિ પૂરી થઈને પળભરમાં જ રેખાનો સંથારો સીઝી ગયો હતો.’



સંથારો લેવો એટલે શું?


સંથારો એ જૈન પ્રથા છે, એનો અર્થ છે સ્વૈચ્છિક અનશન કરવું. એ જીવનના અંતની નજીક શાંતિ, આત્મ-નિયંત્રણ અને આધ્યાત્મિક હેતુ સાથે કરવામાં આવે છે. એનો ઉદ્દેશ્ય કર્મને શુદ્ધ કરવાનો અને મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરવાનો છે. એ એક શિસ્તબદ્ધ આધ્યાત્મિક કાર્ય છે જે માર્ગદર્શન સાથે અને યોગ્ય પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે; ખાસ કરીને જ્યારે વૃદ્ધાવસ્થા, માંદગી અથવા આત્યંતિક પરિસ્થિતિઓને કારણે મૃત્યુ નજીક હોય છે.

પાલખીયાત્રા


રેખાબહેનની પાલખીયાત્રા આજે સવારના ૯.૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાન ૭૦૩, જીવન શાંતિ, તળાવ પાળી, ડૉ. મૂસ રોડ, દીપક બિલ્ડિંગની બાજુમાં, નૌપાડા, થાણે (વેસ્ટ)થી નીકળશે. 

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 10:46 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK