છત્તીસગઢના ચંદ્રગિરિ તીર્થમાં ગઈ કાલે હજારો અનુયાયીઓની હાજરીમાં થયા અંતિમ સંસ્કાર
આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજીને પગે લાગતા નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર.
દિગંબર જૈન સમાજના આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજી મહામુનિમહારાજ ગઈ કાલે મોડી રાતના ૨.૩૦ વાગ્યે છત્તીસગઢના ડોંગરમઢમાં આવેલા ચંદ્રગિરિ તીર્થમાં કાળધર્મ પામ્યા હતા. ગઈ કાલે બપોરે બે વાગ્યે તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. તેમના કાળધર્મના સમાચારથી જૈન સમાજ સહિત દેશભરના અનુયાયીઓ શોકગ્રસ્ત બની ગયા હતા. આચાર્યશ્રી છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા. બે દિવસથી તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો. તેઓ અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી ચૈતન્ય અવસ્થામાં હતા. મંત્રોચ્ચાર કરતાં-કરતાં તેમણે દેહત્યાગ કર્યો હતો. સમાધિ પામ્યા એ સમયે તેમની પાસે પૂજ્ય મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતાસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ તેમ જ સંઘના હજારો લોકો હાજર હતા. દેશભરના તેમના અનુયાયીઓએ ગઈ કાલે તેમના સન્માનમાં તેમનાં પ્રતિષ્ઠાન બંધ રાખ્યાં હતાં.



