તમામ એક્ઝિટ પોલની ઍવરેજ કરીએ તો BJP પ્રણિત NDAને ૩૬૬ બેઠક મળી રહી છે. જોકે એને સૌથી મોટો ફટકો મહારાષ્ટ્રમાં પડતો દેખાય છે; પણ એની સામે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને દક્ષિણનાં રાજ્યોમાં ફાયદો પણ થઈ રહ્યો છે
નરેન્દ્ર મોદી
લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે જ ગઈ કાલે મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) એકદમ આસાનીથી ફરી સત્તામાં આવશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. જોકે એક્ઝિટ પોલના આંકડા મુજબ NDA અબ કી બાર ૪૦૦ પાર કદાચ ન પણ કરે, પણ INDIA અલાયન્સની એક્ઝિટ પાકી છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ BJPને પશ્ચિમ બંગાળ, ઓડિશા, દક્ષિણનાં રાજ્યોમાં ફાયદો થતો દેખાય છે; પણ એને મહારાષ્ટ્રમાં સારુંએવું નુકસાન પણ થઈ રહ્યું હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. આ સિવાય બિહારમાં પણ થોડું નુકસાન થતું હોય એવું લાગી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષોને આંચકો?
મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકમાંથી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ ૪૫થી વધુ બેઠકો પર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે એક્ઝિટ પોલમાં મહાયુતિને ૨૨થી ૨૬ બેઠકો જ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષોની શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) અને કૉન્ગ્રેસની મહાવિકાસ આઘાડીને ૨૩થી ૨૪ બેઠકો મળી શકે છે. BJPને સૌથી વધુ ૧૭, ઉદ્ધવ ઠાકરે જૂથને નવ, કૉન્ગ્રેસને આઠ, શરદ પવાર જૂથને છ અને એક બેઠક અપક્ષના ફાળે જાય એવું અનુમાન કરવામાં આવ્યું છે. શિવસેના અને NCPમાં ભાગલા થયા બાદ બે જૂથ બની ગયાં હોવાનું મતદારોને પસંદ આવ્યું ન હોવાનું એક્ઝિટ પોલના અંદાજ પરથી જણાઈ આવે છે. ૨૦૧૯ની ચૂંટણીમાં BJP અને ઉદ્ધવ ઠાકરેની અખંડ શિવસેનાની યુતિએ ૪૮માંથી ૪૧ બેઠક પર વિજય મેળવ્યો હતો. શરદ પવારની અખંડ NCPને ચાર અને કૉન્ગ્રેસને માત્ર એક બેઠક મળી હતી.
ADVERTISEMENT
બારામતી કે રાયગડ?
એક્ઝિટ પોલમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પક્ષ NCPને ચારમાંથી એક જ બેઠક મળવાનો અંદાજ છે. આથી સવાલ એ ઊભો થયો છે કે પહેલી વખત લોકસભામાં શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર સામસામે ચૂંટણી લડવાથી આખા દેશની સૌથી હૉટ સીટ બની ગયેલી બારામતી કે રાયગડમાંથી અજિત પવારને કઈ બેઠક મળશે?
હૈદરાબાદમાં ઓવૈસી કે માધવી લતા?
એક્ઝિટ પોલમાં તેલંગણની ૧૭ બેઠકમાંથી BJPને આઠથી દસ, કૉન્ગ્રેસને છથી આઠ અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને એક બેઠક મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. હૈદરાબાદની બેઠકમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ૪૦ વર્ષથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આ વખતે BJPએ અહીં માધવી લતાને ઉતારીને પડકાર ઊભો કર્યો હતો. એક્ઝિટ પોલમાં AIMIMને એક બેઠક આપવામાં આવી છે એ હૈદરાબાદની જ છે. આથી આ બેઠક અસદુદ્દીન ઓવૈસી જાળવી રાખશે કે માધવી લતા બાજી મારશે એના પર બધાની ૪ જૂનના મતગણતરીના દિવસે નજર રહેશે.
એક્ઝિટ પોલ ઃ ૨૦૧૪માં ૫૩ તો ૨૦૧૯માં ૪૭ બેઠકનો તફાવત
૨૦૧૪માં મોદી લહેર
૨૦૧૪માં આઠ એક્ઝિટ પોલમાં અંદાજ લગાવાયો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીવાળા નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ને ૨૮૩ બેઠક અને કૉન્ગ્રેસની આગેવાનીવાળા યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)ને ૧૦૫ બેઠક મળશે. આ ચૂંટણીમાં મોદીની લહેર હતી એટલે બધા એક્ઝિટ પોલના અંદાજ ખોટા ઠર્યા હતા. NDAને ૩૩૬ બેઠક મળી હતી, જ્યારે UPAને માત્ર ૬૦ બેઠક મળી હતી. આ ચૂંટણીમાં BJPએ ૨૮૨ તો કૉન્ગ્રેસે ૪૪ બેઠકમાં વિજય મેળવ્યો હતો.
૨૦૧૯માં કાંટાની ટક્કર
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૧૩ એક્ઝિટ પોલમાં NDAને ૩૦૬ અને UPAને ૧૨૦ બેઠક મળવાનો અંદાજ લગાવાયો હતો. પોલમાં NDA અને UPA વચ્ચે કાંટાની ટક્કર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે થયું હતું ઊલટું. NDAએ ૨૦૧૪ની ચૂંટણી કરતાં પણ વધુ ૩૫૩ બેઠક મેળવી હતી. ૨૦૧૪ની સરખામણીએ UPAની બેઠકો પણ ૩૩ બેઠકના વધારા સાથે ૯૩ થઈ હતી, પરંતુ અંદાજ કરતાં એ ઓછી રહી હતી. આ ચૂંટણીમાં BJPએ ૩૦૩ બેઠક પર તો કૉન્ગ્રેસે બાવન બેઠકમાં વિજય મેળવ્યો હતો
આ રહ્યાં એક્ઝિટ પોલનાં તારણો |
|||
|
NDA |
INDIA |
અન્ય |
ટુડેસ ચાણક્ય |
૪૦૦ |
૧૦૭ |
૩૬ |
ઇન્ડિયા ટીવી-સીએસએક્સ |
૩૭૧-૪૦૧ |
૧૦૯-૧૩૯ |
૨૮-૩૮ |
ન્યુઝ ૧૮ મેગા એક્ઝિટ પોલ |
૩૫૫-૩૭૦ |
૧૨૫-૧૪૯ |
૨૦-૫૨ |
ઇન્ડિયા ન્યુઝ ડી-ડાયનૅમિક્સ |
૩૭૧ |
૧૨૫ |
૪૭ |
રિપબ્લિક ટીવી-પીએમઆરક્યુ |
૩૫૩-૩૬૮ |
૧૧૮-૧૩૩ |
૪૩-૪૮ |
એનડીટીવી ઈન્ડિયા- જન કી બાત |
૩૬૫ |
૧૪૨ |
૩૬ |
ન્યુઝ નેશન |
૩૪૨-૩૭૮ |
૧૫૩-૧૬૯ |
૨૧-૨૩ |
એબીપી-સીવોટર |
૩૫૩-૩૮૩ |
૧૫૨-૧૮૨ |
૪-૧૨ |
રિપબ્લિક ટીવ મેટ્રીઝ |
૩૫૩-૩૬૮ |
૧૧૮-૧૩૩ |
૪૩-૪૮ |
ટાઇમ્સ નાઓ-ઈટીજી રિસર્ચ |
૩૫૮ |
૧૫૨ |
૩૩ |
ટોટલ ઍવરેજ |
૩૬૬ |
૧૩૪ |
૩૪ |
વિરોધીઓની નકારાત્મક રાજનીતિને જનતાએ નકારી દીધી : મોદી
લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગઈ કાલે જાહેર કરવામાં આવેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીની સરકાર બનવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના કાર્યકરો, મતદારો, નારી અને યુવાશક્તિનો આભાર માનતાં કહ્યું હતું કે ‘અવસરવાદી ઇન્ડી ગઠબંધન મતદારો સાથે તાલમેલ કરવામાં નિષ્ફળ રહ્યું. તેઓ જાતિવાદી, સાંપ્રદાયિક અને ભ્રષ્ટ છે. આ ગઠબંધનનો ઉદ્દેશ મુઠ્ઠીભર રાજવીઓનું રક્ષણ કરવાનો હતો. દેશનું ભવિષ્ય શું હોવું જોઈએ એ વિશે તેઓ પોતાનું વિઝન પેશ ન કરી શક્યા. તેમણે ચૂંટણીપ્રચારમાં માત્ર એક જ બાબતમાં વિશેષજ્ઞતા વધારી એ હતી મોદીને કોસવાનું. આવી પાછળ લઈ જનારી રાજનીતિને જનતાએ નકારી દીધી છે.’

