ચેમ્બુરના પાઇલટ યુવકે ત્રંબકેશ્વરમાં ઓનલાઇન રૂમ બુક કરવા જતાં સાઇબર-ફ્રૉડમાં ૯૦,૬૦૨ રૂપિયા ગુમાવ્યા
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુરની સિંધી સોસાયટી નજીક રહેતા ૩૬ વર્ષના પાઇલટ યુવકે સાઇબર ફ્રૉડમાં ૯૦,૬૦૨ રૂપિયા ગુમાવ્યા હતા. આ મામલે ચૂનાભઠ્ઠી પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક સમયથી માનસિક શાંતિ ન હોવાને કારણે યુવકે પોતાની કુંડળી બ્રાહ્મણને દેખાડી હતી ત્યારે બ્રાહ્મણે અમુક વિધિ ત્રંબકેશ્વર જઈને કરાવવી પડશે કહેતાં યુવકે પરિવાર સાથે ત્રંબકેશ્વર નજીક રહેવા માટેનું ઠેકાણું શોધ્યું હતું, ત્યારે તેને ગજાનંદ સંસ્થાની વેબસાઇટ મળી હતી. એના પર સંપર્ક કરતાં સાઇબર ગઠિયાએ પોતાની ઓળખ સંસ્થાના પ્રતિનિધિ તરીકે આપીને યુવકના પૈસા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


