સ્થાનિક લોકોએ છોકરીને ડૂબતાં બચાવી લીધી હતી, જ્યારે ડૂબી ગયેલા છોકરાની શોધ ચાલી રહી છે અને તે મળ્યો નથી.
આ છોકરાને સમુદ્રના પાણીમાં શોધવામાં આવી રહ્યો છે.
વિરારના અર્નાળાના દરિયામાં એક સગીર કપલે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. શનિવારે મોડી સાંજે બનેલી આ ઘટનામાં એક સ્થાનિક લાઇફગાર્ડ છોકરીને બચાવવામાં સફળ રહ્યો હતો, પરંતુ છોકરો ડૂબી ગયો હોવાથી તેની શોધ ચાલુ છે. વિરાર-વેસ્ટમાં રહેતું ૧૭ વર્ષનું સગીર કપલ ત્રણ દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયું હતું. શનિવારે અર્નાળા સાગરી પોલીસ તેમની શોધખોળ કરીને પોલીસ-સ્ટેશનમાં લાવી હતી. ત્યાં બન્નેનાં નિવેદનો નોંધ્યા બાદ તેમને તેમનાં માતા-પિતાને સોંપવામાં આવ્યાં હતાં, પણ ગુનો દાખલ કરવામાં આવ્યો નહોતો. એ દરમ્યાન ઘરે લઈ જતી વખતે મોડી સાંજે બન્ને જણ અચાનક નજર ચૂકવીને પોલીસ-સ્ટેશનની સામે આવેલા બીચ પર ગયાં હતાં અને દરિયામાં કૂદી પડ્યાં હતાં. આ બનાવ વિશે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સર્કલ-૩ જયંત બજબલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને એકબીજાને લાંબા સમયથી ઓળખતાં હતાં. તેઓ બન્ને ગુમ હોવાની ફરિયાદ તેમના પેરન્ટ્સે આપી હતી. ત્યાર બાદ તેઓ પોતે જ ઘરે આવતાં તેમને પોલીસ-સ્ટેશને લઈને આવ્યા હતા. બધી પ્રક્રિયા પૂરી થયા બાદ ઘરે લઈ જતી વખતે બન્નેએ ભાગીને પાણીમાં ઝંપલાવ્યું હતું. એ જોઈને સ્થાનિક લોકોએ છોકરીને ડૂબતાં બચાવી લીધી હતી, જ્યારે ડૂબી ગયેલા છોકરાની શોધ ચાલી રહી છે અને તે મળ્યો નથી.’

