બોરીવલી ઈસ્ટ-વેસ્ટનાં અન્ય જિનાલયોને સાંકળી લેતી આ રથયાત્રાનો રૂટ ૧૨થી ૧૩ કિલોમીટરનો રહેશે
પ્રતીકાત્મક તસવીર
પર્યુષણ મહાપર્વના કર્તવ્યની ઉજવણીરૂપે આજે બોરીવલીના ૨૭ જૈન સંઘો દ્વારા સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ બોરીવલીના શ્રી કલ્યાણકારી સત્યનગર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના દિનેશ ટી. શાહે જણાવ્યું છે. બોરીવલી-વેસ્ટની જાંબલી ગલીમાં આવેલા શ્રી સંભવનાથ જિનાલયથી સવારે ૮.૩૦ વાગ્યે બોરીવલીમાં ચાતુર્માસ બિરાજમાન પ.પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં આ રથયાત્રા નીકળશે. બોરીવલી ઈસ્ટ-વેસ્ટનાં અન્ય જિનાલયોને સાંકળી લેતી આ રથયાત્રાનો રૂટ ૧૨થી ૧૩ કિલોમીટરનો રહેશે અને બોરીવલી-વેસ્ટના જ સુમેરનગરમાં આવેલા શ્રી ચિંતામણિ પ્રાર્શ્વનાથ જિનાલયમાં એની પૂર્ણાહુતિ થશે. આ રથયાત્રામાં ચાંદીના રથ, પાલખીઓ, શણગારેલી ટ્રકો, રંગોળી તેમ જ વિવિધ જૈન બૅન્ડ સ્તવનોની અને ભક્તિગીતોની સુરાવલી છેડશે.