મહિલાએ પાડોશીને ફોન કરીને તપાસ કરવાનું કહ્યું એમાં કૅરટેકરનો ભાંડો ફૂટ્યો, પોલીસે ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-વેસ્ટમાં બિલાલ મસ્જિદ નજીક આવેલી એક જાણીતી સોસાયટીમાં ઘરમાં રાખેલી બે ફીમેલ ડૉગી પર અત્યાચાર કરવાના આરોપસર આંબોલી પોલીસે ૩૧ વર્ષના રંજન શાહની ધરપકડ કરી છે. ૩૧ વર્ષની ફરિયાદી મહિલાએ આરોપીને તેના ઘરના બે ફીમેલ ડૉગીને સાચવવા માટે રાખ્યો હતો. સોમવારે મહિલા દિલ્હી ગઈ હતી ત્યારે ઘરમાં લગાવવામાં આવેલા CCTV કૅમેરા દ્વારા ડૉગી શું કરે છે એ જોવા માટે તેણે તપાસ કરી હતી. તપાસ દરમ્યાન બન્ને ડૉગીનું વર્તન સામાન્ય કરતાં અલગ જણાતાં તેણે પાડોશીને ફોન કરીને ડૉગીની તપાસ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ માહિતી મળી હતી કે બન્ને ડૉગી સાથે અત્યાચાર થયો હતો.
પોલીસે શું કહ્યું?
આંબોલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહિલા અને તેનો પતિ સતત મુંબઈની બહાર રહેતાં હોવાથી ઘરની બે ફીમેલ ડૉગીની દેખભાળ માટે આરોપીને રાખવામાં આવ્યો હતો. સોમવારે સાંજે મહિલા દિલ્હીમાં હતી ત્યારે તેણે પોતાના ફોનથી જોડાયેલા CCTV કૅમેરા દ્વારા ઘરમાં શું ચાલી રહ્યું છે એની તપાસ કરી હતી. એમાં બન્ને ડૉગીનું વર્તન સામાન્ય ન લાગતાં તેણે આરોપીને ફોન કરીને વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આરોપીએ બધું સામાન્ય હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મહિલાએ પોતાના પાડોશીને ફોન કરીને ઘરમાં જઈને ડૉગીને તપાસવા જણાવ્યું હતું. ત્યારે ડૉગી પર થયેલો અત્યાચાર સામે આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતાં આરોપીની અમે ધરપકડ કરી છે.’
