સ્કૂલ-બસને ઓવરટેક કરવા ગયા એમાં સ્કૂટર સ્કિડ થઈ ગયું
અકસ્માતમાં મૃત્યુ પામનારા અવિનાશ અને સંગમ.
મુંબ્રાના એમ. એમ. વૅલી વિસ્તાર નજીક મંગળવારે સાંજે થયેલા અકસ્માતમાં ૨૧ વર્ષના સંગમ પુલશેર અને ૧૯ વર્ષના અવિનાશ દાવંડેનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૮ વર્ષનો મહેશ વારે ગંભીર રીતે જખમી થયો છે. આ મામલે મુંબ્રા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ત્રણેય યુવાનો એક સ્કૂટર પર ટ્રિપલ સવારી કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સ્કૂલ-બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરવા જતાં તેમનું સ્કૂટર અચાનક સ્કિડ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ત્રણેય યુવાનો દિવાના રહેવાસી હોવાની માહિતી મળી છે.
ડોમ્બિવલીના માનકોલી બ્રિજ પર જોખમી સ્ટન્ટબાજી
ADVERTISEMENT

માનકોલી બ્રિજ પર યુવાનો દ્વારા કરવામાં આવેલો સ્ટન્ટ.
ડોમ્બિવલી નજીક માનકોલી બ્રિજ પર યુવાનોની સ્ટન્ટબાજીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં એક બાઇક પર ૩ યુવાનો બેઠા હતા. પાછળ બેઠેલા યુવક દ્વારા બાઇકચાલકની આંખો ઢાંકીને જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે માર્ગસુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ અગાઉ પણ આવી ઘટનાઓ સામે રોષ વ્યક્ત કર્યો હોવા છતાં સ્ટન્ટબાજી ચાલુ રહેતાં અસંતોષ વધ્યો છે. સ્થાનિક નાગરિકોએ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. માનકોલી બ્રિજ પર ૨૪ કલાક પોલીસ-બંદોબસ્ત કરવાની અથવા પોલીસચોકી સ્થાપવાની માગણી થઈ રહી છે જેથી આવી જોખમી હરકતો પર રોક લાગી શકે.
