ઘાટકોપર નજીક બનેલા આ બનાવમાં મનીષ પરમારના હાથ-પગમાં થઈ ગંભીર ઈજા
ટ્રૅક પર ફેંકી દેવામાં આવતાં મનીષ પરમારને હાથ અને પગમાં થયેલી ઈજા.
ધારાવીમાં રહેતા પચીસ વર્ષના મનીષ પરમારનો સોમવારે ઘાટકોપર રેલવે-સ્ટેશન નજીક ટ્રેનમાં બે લોકોએ જબરદસ્તી મોબાઇલ છીનવી લેવાનો પ્રયાસ કરીને તેને ટ્રૅક પર ધક્કો મારવામાં આવ્યો હોવાની ફરિયાદ મંગળવારે કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં નોંધાઈ છે. વિદ્યાવિહાર સ્ટેશનથી ટ્રેન ઊપડ્યા બાદ એક યુવાને મનીષનો મોબાઇલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મનીષે પોતાનો મોબાઇલ હાથમાં જોરથી પકડી રાખતાં સામેના યુવાનના હાથમાં મોબાઇલ આવ્યો નહોતો. એનાથી રોષે ભરાઈને પહેલાં તેણે મનીષને લાફો માર્યો હતો અને ત્યાર બાદ ઘાટકોપર સ્ટેશન નજીક ટ્રૅક પર તેને ફેંકી દીધો હતો.
મનીષને ઘાટકોપર સ્ટેશન નજીક ટ્રૅક પર ફેંકી દેવામાં આવતાં તેના પગમાં આઠ ટાંકા આવવા ઉપરાંત તેના હાથમાં પણ માર લાગ્યો છે એટલે હાલમાં ડૉક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે એમ જણાવતાં મનીષના નાના ભાઈ મહેન્દ્રએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનીષ ભાંડુપમાં નોકરી કરતો હોવાથી રોજની જેમ સોમવારે સવારે સાડાઅગિયાર વાગ્યે સાયન સ્ટેશનથી કલ્યાણ સ્લો લોકલ ટ્રેનમાં ભાંડુપ જઈ રહ્યો હતો ત્યારે વિદ્યાવિહાર સ્ટેશન પરથી ચડેલા ચાર લોકોના ગ્રુપમાંથી એક યુવાને મનીષના હાથમાંથી તેનો મોબાઇલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મનીષે પોતાનો મોબાઇલ જોરથી હાથમાં પકડી રાખતાં સામેના યુવાનના હાથમાં એ આવ્યો નહોતો. એનાથી ઉશ્કેરાઈને સામેના યુવાને પહેલાં મનીષને લાફો માર્યો હતો. તેઓ ચાર લોકો હોવાથી મનીષે કોઈ ઝઘડો કર્યો નહોતો અને ઘાટકોપર સ્ટેશન આવતાં ઊતરવાની રાહ જોવા લાગ્યો હતો. ઘાટકોપર સ્ટેશન નજીક આવતાં એમાંના એક યુવાને મનીષને ટ્રૅક પર ફેંકવા ધક્કો માર્યો હતો. સ્ટેશન નજીક આવતું હોવાથી ટ્રેન થોડી ધીમી પડી ગઈ હતી એટલે મનીષના પગ અને હાથમાં જ માર લાગ્યો હતો. ત્યાર બાદ ત્યાં ભેગા થયેલા લોકો તાત્કાલિક તેને ઇલાજ માટે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર ડૉક્ટરે તેના પગમાં આઠ ટાંકા આવ્યા હોવાની માહિતી આપી હતી.’
ADVERTISEMENT
આ ઘટના બાદ અમે ઘાટકોપર અને વિદ્યાવિહાર વચ્ચે બંદોબસ્ત વધારી દીધો છે. આ કેસમાં ૨૦ વર્ષના અંકુશ આહિરેની અમે ધરપકડ કરી છે. આરોપી ઘાટકોપરના રમાબાઈનગરનો રહેવાસી હોવાની માહિતી અમને મળી છે. - સંભાજી યાદવ, કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર