વિક્રોલીની મહિલાએ ગૂગલ-સર્ચ કર્યું એમાં ભટકાઈ ગયા ગઠિયાઓ
પ્રતીકાત્મક તસવીર
જૂના સિક્કાઓના સંગ્રહ અને એના વેચાણના શોખીનોને નિશાન બનાવતી સાઇબર ઠગ ટોળકી સક્રિય થઈ છે. વિક્રોલીના ટાગોરનગરમાં રહેતી ૪૩ વર્ષની મહિલા સાથે જૂના સિક્કા લેવાના બહાને ૯,૭૮,૮૪૬ રૂપિયાની ઑનલાઇન છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે વિક્રોલી પોલીસે ગુરુવારે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ખાનગી કંપનીમાં મૅનેજર તરીકે કાર્યરત મહિલા પાસે તેની દાદીના એક પૈસો, બે પૈસા અને પાંચ પૈસાના જૂના બાવીસ સિક્કા હતા. આ સિક્કા વેચવા માટે તેણે નવેમ્બર ૨૦૨૫માં ગૂગલ-સર્ચ કર્યું હતું. એમાં મળેલી વેબસાઇટ પર સંપર્ક કરતાં સામેવાળી વ્યક્તિએ સિક્કા ખરીદવા માટે તૈયારી બતાવીને તમામ સિક્કાના ૩૮,૧૪,૨૧૦ રૂપિયા આપશે એવું વચન આપીને નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં ધીરે-ધીરે કરીને ૯,૭૮,૮૪૬ રૂપિયા પડાવી લીધા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતી ઘટના?
ADVERTISEMENT
ઘટનાની શરૂઆત અને લાલચ: વિક્રોલી-ઈસ્ટના ટાગોરનગરમાં રહેતી અને એક ખાનગી કંપનીમાં મૅનેજર તરીકે કાર્યરત મહિલા પાસે તેની દાદીના સમયના જૂના બાવીસ સિક્કા હતા. આ સિક્કા વેચવા માટે તેણે નવેમ્બરમાં ગૂગલ પર સર્ચ કરતાં મળેલી એક વેબસાઇટ પર સંપર્ક કર્યો હતો, જ્યાં ઠગોએ આ સિક્કાઓની કિંમત અંદાજે ૩૮,૧૪,૨૧૦ રૂપિયા કહી હતી.
વિવિધ ટૅક્સના નામે ઉઘાડી લૂંટ: આરોપીઓ દિલીપકુમાર પટેલ અને હર્ષકુમારે આ રકમ મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરવાના બહાને અલગ-અલગ ચાર્જિસ માગવાનું શરૂ કર્યું હતું. એમાં રજિસ્ટ્રેશન-ફી, સ્ટેટ ગવર્નમેન્ટ ટૅક્સ, સેલ્સ ટૅક્સ, RBI ફૉર્વર્ડિંગ ટૅક્સ, કસ્ટમ્સ-ડ્યુટી અને અકાઉન્ટ ઍક્ટિવેશન ચાર્જ જેવાં વિવિધ બહાનાં હેઠળ પૈસા પડાવવામાં આવ્યા હતા.
નાણાકીય છેતરપિંડીનો આંકડો: સાઇબર ઠગોની જાળમાં ફસાયેલી મહિલાએ ૭ નવેમ્બરથી ૩ જાન્યુઆરી દરમ્યાન પોતાના બૅન્ક-ખાતામાંથી કુલ ૯,૭૮,૮૪૬ રૂપિયા આરોપીઓનાં અલગ-અલગ બૅન્ક-ખાતાંમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આરોપીઓએ જ્યારે વધુ ૩.૮૫ લાખ રૂપિયાની માગણી કરી ત્યારે મહિલાને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.
પોલીસની કાર્યવાહી અને તપાસ: છેતરપિંડીની ખાતરી થતાં મહિલાએ સાઇબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી અને ત્યાર બાદ વિક્રોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઑનલાઇન છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


