શૅરબજારમાં રોકાણ કરીને ૧૦ દિવસમાં ૨૦૦૦ રૂપિયાનો નફો કમાવાની મિત્રોએ જ આપેલી લાલચ ભારે પડી
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-ઈસ્ટની નૅન્સી કૉલોનીમાં રહેતા ૧૮ વર્ષના યુવકને શૅરબજારમાં રોકાણ દ્વારા મોટી કમાણી કરવાની લાલચ આપીને તેના નામે બૅન્ક-અકાઉન્ટ ખોલાવીને એનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. યુવકને ૧૦ દિવસમાં ૨૦૦૦ રૂપિયાનો નફો થશે એવી લાલચ આપીને આરોપીઓએ તેનાં આધાર કાર્ડ, પૅન કાર્ડ અને ફોટો જેવા દસ્તાવેજ મેળવી લીધા હતા. આ દસ્તાવેજના આધારે બૅન્કમાં ખાતું ખોલાવી આરોપીઓએ એક નવું સિમ કાર્ડ પણ લીધું હતું અને તેનું અંગત સિમ કાર્ડ પણ પડાવી લીધું હતું. જ્યારે યુવકે તેના પપ્પા સાથે મળીને મેઇલ-બૉક્સ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેના ખાતામાં તેની જાણ બહાર મોટા પાયે નાણાકીય વ્યવહાર થયા હતા. આ રીતે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં યુવકે પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
શું હતી ઘટના?
ADVERTISEMENT
દહિસર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કિશોરના ફ્રેન્ડ્સે તેને શૅરબજારમાં રોકાણ કરવાની એક સ્કીમ વિશે જણાવ્યું હતું. આરોપીઓએ દાવો કર્યો હતો કે જો તું તારા નામે બૅન્ક-અકાઉન્ટ ખોલાવશે તો તને ૧૦ દિવસમાં ૨૦૦૦ રૂપિયાનો પ્રૉફિટ મળશે. એ લાલચમાં આવીને યુવકે ૭ જાન્યુઆરીએ દહિસરની બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં ખાતું ખોલાવ્યું હતું. ખાતું ખોલાવવા માટે આરોપીઓએ કિશોરનું આધાર કાર્ડ, પૅન કાર્ડ અને નવું સિમ કાર્ડ પણ લઈ લીધું હતું. ખાતું ખૂલ્યા બાદ આરોપીઓએ યુવકની પાસબુક, ડેબિટ કાર્ડ અને જિયોનું સિમ કાર્ડ પણ શૅરબજારમાં રોકાણના બહાને પોતાની પાસે રાખી લીધું હતું. જ્યારે યુવકે તેનું સિમ કાર્ડ પાછું માગ્યું ત્યારે આરોપીઓએ તેને ટાળવાનું શરૂ કર્યું હતું. એ પછી શંકા જતાં યુવકે પપ્પાને વાત કરીને તેનું મેઇલ-બૉક્સ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેના નવા ખોલાવેલા ખાતામાં મોટા પાયે નાણાકીય વ્યવહાર થઈ રહ્યા હતા. યુવકના નામે ખોલેલા ખાતામાં વિવિધ અકાઉન્ટમાંથી ૧૩,૭૫,૨૨૭ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા અને ૧૩,૭૦,૬૭૩ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. યુવકની જાણ બહાર તેના ખાતાનો ઉપયોગ કરીને લાખો રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હતી એની જાણ થતાં યુવકે તાત્કાલિક પોતાનું સિમ કાર્ડ બંધ કરાવ્યું અને બૅન્ક-ખાતું બંધ કરાવવા માટે અરજી કરી હતી. એ બાબતની અમને જાણ કરવામાં આવતાં આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકના ખાતામાં આવેલા પૈસા સાઇબર છેતરપિંડી કરીને પડાવી લેવામાં આવ્યા હોવાની અમને શંકા છે.’
ડોમ્બિવલીના ઇન્ડસ્ટ્રિયલિસ્ટે વૉટ્સઍપ આધારિત શૅર ટ્રેડિંગ યોજનામાં ૭૭.૧૦ લાખ રૂપિયા ગુમાવ્યા
ડોમ્બિવલીના એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટને વૉટ્સઍપ આધારિત શૅર ટ્રેડિંગ યોજનામાં રોકાણ કરી ટૂંકા સમયમાં વધુ વળતર કમાવી આપવાની લાલચ આપીને સાઇબર ગઠિયાએ ૭૭.૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા એમ રવિવારે એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું. સાઇબર ગઠિયા દ્વારા કરાયેલી આ છેતરપિંડી બાબતે માહિતી આપતાં માનપાડા પોલીસ-સ્ટેશનના ઑફિસરે જણાવ્યું હતું કે ‘૨૦૨૫ની ૧૭ નવેમ્બર અને ૨૦૨૬ની ૮ જાન્યુઆરી વચ્ચે આરોપી દ્વારા વૉટ્સઍપ ગ્રુપમાં ઉમેરાયેલા આ કેસના ૪૩ વર્ષના ફરિયાદી પ્રશાંત પ્રભુએ શૅર ટ્રેડિંગમાં ઊંચા વળતરનું વચન મળ્યા પછી આ રકમનું રોકાણ કર્યું હતું. પ્રશાંત પ્રભુને કહ્યા મુજબનો નફો મળ્યો નહીં એટલે તેણે રોકાણ કરેલા ૭૭.૧૦ લાખ રૂપિયા પાછા માગ્યા હતા, પણ એ મળ્યા નહોતા. એટલું જ નહીં, ત્યાર બાદ આરોપીએ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ છે એવું લાગતાં પ્રશાંત પ્રભુએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો અને નાણાંનું ટ્રેસિંગ અને આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે.’


