એમ કહીને ૭૫ વર્ષના ગુજરાતીને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને ૧૬.૫૦ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-ઈસ્ટના પારસી પંચાયત રોડ પર રહેતા ૭૫ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝનને આતંકવાદી ગતિવિધિ અને મની લૉન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ૧૬.૫૦ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વેસ્ટર્ન સાઇબર સેલે સોમવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માંથી મુકાદમ તરીકે નિવૃત્ત પીડિતને તાજેતરમાં દિલ્હીમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં તમારો સહભાગ હોવાનું કહીને પૂછપરછ કરીને ધરપકડ કરવામાં આવશે એમ કહીને ધમકાવવામાં આવ્યા હતા. દરમ્યાન ગઠિયાઓએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) માટે પૈસાની માગણી કરી ૧૧ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી દરમ્યાન પૈસા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
રહસ્યમય ફોનકૉલ અને આતંકવાદનો ડર : ૧૧ ડિસેમ્બરે સવારે સાડાઅગિયાર વાગ્યે પીડિતના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને કહ્યું હતું કે તેઓ દિલ્હી ઍન્ટિ ટેરરિસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી બોલી રહ્યા છે. ગઠિયાઓએ વૃદ્ધને ડરાવતાં કહ્યું હતું કે દિલ્હીમાં થયેલા બૉમ્બ-બ્લાસ્ટમાં તમારો સહભાગ છે અને તમારી પૂછપરછ કરવામાં આવશે.
ADVERTISEMENT
નકલી વૉરન્ટ : ત્યાર બાદ ઠગબાજોએ પીડિતને પ્લેસ્ટોર પરથી સિગ્નલ ઍપ ડાઉનલોડ કરાવી એના પર વિડિયો-કૉલ પર વાત કરી હતી. વિડિયો-કૉલમાં ATD નામનું આઇડી અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)નો લોગો બતાવવામાં આવ્યો એટલું જ નહીં. વિડિયો-કૉલ પર પોલીસના યુનિફૉર્મમાં વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ સદાનંદ દાતે જણાવ્યું અને કહ્યું કે તમારા ખાતામાં મની લૉન્ડરિંગના ૭ કરોડ રૂપિયા આવ્યા છે. ડર ઊભો કરવા માટે સિગ્નલ ઍપ પર નકલી અરેસ્ટ વૉરન્ટ સહિત વિવિધ દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા.
ડિજિટલ અરેસ્ટ અને છેતરપિંડી ઃ દસ્તાવેજોના આધારે પીડિતની ધરપકડ કરવામાં આવી હોવાનું ગઠિયાઓએ કહીં દર કલાકે I am Safe એવો મેસેજ કરવા મજબૂર કરવામાં આવ્યા. એ દરમ્યાન ગઠિયાઓએ પીડિતને વિશ્વાસમાં લીધા કે તેમના ખાતાની RBI દ્વારા ચકાસણી કરવી પડશે અને એ માટે અત્યારે પૈસા ટ્રાન્સફર કરવા પડશે જે ચકાસણી બાદ પરત મળશે. ગભરાયેલા પીડિતે આ ઘટનાથી છૂટકારો મેળવવા માટે અલગ-અલગ ૩ ટ્રાન્ઝૅક્શન દ્વારા ૧૬,૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ભાંડો કેવી રીતે ફૂટ્યો? ઃ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ જ્યારે પીડિતે પરત માગણી કરી ત્યારે ગઠિયાઓએ તેમને બ્લૉક કરી દીધા હતા. આખરે તેમણે પોતાના પુત્રને વાત કરતાં તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે સાઇબર-ફ્રૉડ થયો છે. ત્યાર બાદ તેમણે નૅશનલ સાઇબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી અને સોમવારે ઓફિયલી સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ કરાવી હતી.


