પીક અવર્સમાં બનેલી દુર્ઘટનાને લીધે ટનલની બહાર વાહનોની લાંબી લાઇન લાગી
કારમાં લાગેલી આગને કારણે ટનલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
કોસ્ટલ રોડની ટનલમાંથી પસાર થતી એક કાર ભડકે બળી હતી. આ કમર્શિયલ વાહનના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. આગને લીધે ગાઢ ધુમાડો આખી ટનલમાં ફેલાઈ ગયો હતો. બન્ને તરફથી આવતાં વાહનો અટકાવી દેવાયાં હોવાથી ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ.
ગુરુવારે સવારે ૯ વાગ્યે કોસ્ટલ રોડની સાઉથ તરફ જતી ટનલમાં ૧૦૦થી ૧૫૦ મીટર અંદર જતી એક કૅબના બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. થોડી જ સેકન્ડમાં બોનેટ ધડાકાભેર ખૂલી ગયું હતું અને કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આસપાસથી પસાર થતી કાર સુરક્ષિત રીતે બાજુમાંથી નીકળી ગઈ હતી જેથી વધુ નુકસાન થયું નહોતું. ફાયર-બ્રિગેડનાં બે એન્જિને બ્રીચ કૅન્ડી તરફથી ટનલમાં જઈને આગ ઓલવવાનું કામ કર્યું હતું. ૯.૩૬ વાગ્યે આગ કાબૂમાં આવી હોવાનું ફાયર-બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું. ત્યાર બાદ કારને ટનલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
કોસ્ટલ રોડની ટનલમાં લિનિયર હીટ ડિટેક્શન કેબલ લગાવવામાં આવ્યા છે જેને કારણે ધુમાડાની તીવ્રતા જાણીને નેપિયન સી રોડના કન્ટ્રોલ રૂમને અલર્ટ કરી દેવામાં આવે છે. એકથી દોઢ કલાક ચાલેલા આ રાહત અને બચાવકાર્ય દરમ્યાન કોસ્ટલ રોડનો ટ્રાફિક હાજી અલી અને વરલી કનેક્ટર તરફ વાળવામાં આવ્યો હતો. પીક અવર્સ હોવાને કારણે ટનલની બહાર વાહનોની લાંબી લાઇન લાગી હતી જેને લીધે બ્રીચ કૅન્ડી વિસ્તારમાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.


