મૉર્નિંગ વૉક પર નીકળેલા પોલીસ-અધિકારીની નજર પડી, છજા પર ઊતરેલાં મહિલાને બચાવ્યાં
આપઘાત કરવા છજા પર ઊતરેલાં મહિલા. પોલીસ-અધિકારીઓએ બચાવી લીધેલાં મહિલા.
વિક્રોલીમાં રવિવારે સવારે એક બિલ્ડિંગના પાંચમા માળથી છલાંગ લગાવીને આપઘાત કરવાની કોશિશ કરનારાં ૬૫ વર્ષનાં મહિલાને વિક્રોલી પોલીસની સતર્કતા અને ત્વરિત કામગીરીથી સકુશળ બચાવી લેવામાં આવ્યાં હતાં. પવઈ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સચિન પાંસરે રવિવારે મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા. એ દરમ્યાન તેમની નજર પાંચમા માળના છજા પરથી કૂદવાનો પ્રયાસ કરતાં આ મહિલા પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે જરાય વિલંબ કર્યા વગર તરત જ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી હતી, જેથી સમયસર બચાવ-કામગીરી કરી શકાય.
માહિતી મળતાં જ પોલીસટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસની ટીમે મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સ (MSF)ના જવાનો સાથે મળીને બચાવ-કામગીરી પાર પાડી હતી. મહિલાને સુરક્ષિત રીતે નીચે લાવ્યા બાદ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
