સ્કૂલથી બાઇક પર ઘરે જતી વખતે થયો અકસ્માત, પપ્પાને પણ ઈજા
અકસ્માત કરનાર સિમેન્ટ મિક્સર ટ્રક.
દહિસર-ઈસ્ટમાં ટોલનાકા નજીક ગોદાવરી લૉજ સામે ગઈ કાલે બપોરે સિમેન્ટ મિક્સરની અડફેટે આવી જવાથી ૧૪ વર્ષના સૌરભ વિશ્વકર્મા નામના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ સૌરભ સ્કૂલ છૂટ્યા બાદ પિતા સાથે બાઇક પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી સિમેન્ટ મિક્સર ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સૌરભના પિતા પણ ઈજાગ્રસ્ત થયા છે. આ કેસમાં કાશીમીરા પોલીસે સિમેન્ટ મિક્સરના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કાશીમીરા પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ટક્કર બાદ પિતા-પુત્ર બન્ને રસ્તા પર પટકાયા હતા. આ દરમ્યાન સૌરભનું માથું ટ્રકના પાછળના પૈડા નીચે આવી જતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠા થઈ ગયાં હતાં. બનાવની જાણ અમને કરવામાં આવતાં અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઈને પંચનામાની કામગીરી હાથ ધરી હતી. અમે અકસ્માત કરનાર સિમેન્ટ મિક્સરના ડ્રાઇવરની અટકાયત કરી છે.’
