સ્કૂલમાં જવા રસ્તો જ ન હોવાથી ટાપુ પર આવેલા વાઢીવ ગામના સ્ટુડન્ટ્સે રેલવે-ટ્રૅક પર જીવના જોખમે પ્રવાસ કરવો પડે છે એવી રજૂઆત વિદ્યાર્થીઓએ વિડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કરી
વિદ્યાર્થીઓએ રોજ જ સ્કૂલમાં જવા વૈતરણા નદી–ખાડી પરના રેલવે બ્રિજ પરથી ચાલીને જવું પડે છે
પાલઘર જિલ્લાના સફાળે અને વૈતરણા સ્ટેશન વચ્ચે ટાપુ પર આવેલા વાઢીવ ગામના વિદ્યાર્થીઓએ રોજ જ સ્કૂલમાં જવા વૈતરણા નદી–ખાડી પરના રેલવે બ્રિજ પરથી ચાલીને જવું પડે છે જે જોખમી છે. હવે એ સ્કૂલે જતા વિદ્યાર્થીઓએ એક વિડિયો બનાવી ડાયરેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને તેમની તકલીફ દૂર કરવા રજૂઆત કરી છે. લોકોને, વિદ્યાર્થીઓને ચાલીને જવા માટે બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી તેમણે આ ટ્રૅક પરના રૂટને જ અપનાવવો પડે છે. સ્કૂલ જઈ રહેલા એ વિદ્યાર્થીઓના ગ્રુપમાંથી એક વિદ્યાર્થીએ એ વિડિયોમાં કહ્યું છે કે ‘માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીસાહેબ, તમે ટીવી પર તો કહેતા હો છો કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. તો અમારા જેવા વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા એકાદો સાદો રસ્તો પણ કેમ નથી? સરકારને શું લાગે છે કે અમારા વાલીઓએ શું અમારા રોજની આજ ચિંતા કરવાની કે? અમારે સ્કૂલમાં જવા રસ્તો જ નથી. જીવ બચાવી અમારે ટ્રૅક પરથી રોજ ચાલતા જવું પડે છે. પાછળથી એકાદી એક્સપ્રેસ ટ્રેન પાસ થાય ત્યારે અમારી હાલત કફોડી થઈ જાય છે. મોદીસાહેબ, તમે આખા દેશમાં મોટા રસ્તા અને બુલેટ ટ્રેન પણ લાવ્યા જને? તો અમારા જ નસીબમાં મૃત્યુનો ટ્રૅક કેમ ? અમને અમારા હક્કનો રસ્તો આપો.’
