નવરાત્રિના પાસ અને વિદેશી સિંગરના શોની ટિકિટ સોશ્યલ મીડિયા પરથી ઓછા ભાવે ખરીદવાના ચક્કરમાં કુલ ૭૩,૪૦૦ રૂપિયા ગુમાવ્યા
પ્રતીકાત્મક તસવીર
વિલે પાર્લે-ઈસ્ટના દીક્ષિત રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૩૯ વર્ષની ગુજરાતી મહિલા બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના જિયો ગાર્ડનમાં આયોજિત ફાલ્ગુની પાઠકની નવરાત્રિના પાસ સસ્તા મેળવવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બની હતી. સાઇબર છેતરપિંડીમાં તેણે કુલ ૭૩,૪૦૦ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ મંગળવારે વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર ફાલ્ગુની પાઠકની નવરાત્રિના અને સ્પેનિશ સિંગર અૅનરિક ઇગ્લેસિયસના શોના પાસ ઓછા ભાવે ખરીદવા જતાં ૧૫થી ૨૯ સપ્ટેમ્બર વચ્ચે ૧૮ ટ્રાન્ઝૅક્શનમાં આ મહિલા પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા.
કેવી રીતે થઈ છેતરપિંડી?
ADVERTISEMENT
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવી વખતે ફરિયાદી મહિલાએ ખુશી નામની યુવતીના અકાઉન્ટમાં ૩૦ સપ્ટેમ્બરે BKCના MMRDA ગ્રાઉન્ડમાં આયોજિત એન્રિક ઇગ્લેસિયસના શોના પાસ સસ્તામાં મળતા હોવાની જાહેરાત દેખાઈ હતી.
૧૫ સપ્ટેમ્બરે એન્રિક ઇગ્લેસિયસના ક્રાર્યક્રમના પાસ મેળવવા સંપર્ક કરવામાં આવતાં ખુશી નામની યુવતીએ પાંચ પાસના ૪૫,૫૦૦ રૂપિયા આપવાનું કહ્યું હતું અને એ મુજબ ફરિયાદી મહિલાએ તમામ પૈસા ઑનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. દરમ્યાન પ્રોગ્રામના એક દિવસ પહેલાં પાસ ડિલિવર કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો.
૨૯ સપ્ટેમ્બરે BKCના જિયો ગ્રાઉન્ડમાં આયોજિત ફાલ્ગુની પાઠકની નવરાત્રિના પાસ વિશે ખુશીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં સવારે જાહેરાત જોયા બાદ ફરિયાદી મહિલાએ ફરી વાર ખુશીનો સંપર્ક કરીને ૧૪ પાસ મેળવવા માટે તેને ૨૮,૪૦૦ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.
ફાલ્ગુની પાઠકની નવરાત્રિના પાસ ૨૯ સપ્ટેમ્બરે સાંજે આપવાનો વાયદો ખુશીએ કર્યો હતો. જોકે સાંજ સુધી પાસની ડિલિવરી ન મળતાં ખુશીનો સંપર્ક કરવામાં આવતાં તેણે યોગ્ય જવાબ આપ્યો નહોતો. અંતે છેતરપિંડી થઈ હોવાની તેને ખાતરી થઈ હતી. આ મામલે પોલીસ ખુશીના બૅન્ક-અકાઉન્ટની વિગતો તપાસીને શોધ ચલાવી રહી છે.


