કાંદિવલીનાં ઉષા પંડ્યા ૪ ગરબા રીયુઝ કરવા માટે ઘરે લઈ આવ્યાં
કાંદિવલીમાં રહેતાં ૬૬ વર્ષનાં ઉષા પંડ્યા
દશેરા પછી સોશ્યલ મીડિયા પર મંદિરમાં પધરાવવામાં આવતા ગરબાના રીયુઝને લઈને કેટલીક રીલ્સ ફરી રહી છે. એમાં એવી ભલામણ કરવામાં આવી રહી છે કે તમે મંદિરમાં પધરાવવામાં આવતા ગરબા ઘરે લઈ જઈને એનો રીયુઝ કરો. જોકે આ રીલ્સ આવ્યા બાદ કેટલાક લોકોને આ વાત ધાર્મિક બાબતો સાથે છેડછાડ કરવા જેવી લાગી હતી તો કેટલાક લોકોએ આ વિચારને આવકાર્યો હતો અને મંદિરમાં જઈને ગરબો લઈ આવ્યા હતા.
કાંદિવલીમાં રહેતાં ૬૬ વર્ષનાં ઉષા પંડ્યા સોશ્યલ મીડિયા પર રીલ્સ જોઈને મંદિરમાં ગરબો લેવા ગયાં હતાં. તેઓ કહે છે, ‘મને એક જણે આ પ્રકારની પહેલની રીલ મોકલી હતી. એમાં કહેવામાં આવી રહ્યું હતું કે તમે પધરાવેલા ગરબાનો રીયુઝ કરો, કેમ કે આ ગરબા પર કલર, અલગ-અલગ મોતીકામ, આભલાવર્ક જેવું કરેલું હોય છે જે પાણીમાં પધરાવવામાં આવે તો વૉટર પૉલ્યુશન થઈ શકે છે. આ રીલ જોઈને હું કાંદિવલીની શંકર ગલીમાં આવેલા મંદિરમાં પધરાવેલા ગરબા લેવા ગઈ હતી. ત્યાંના પૂજારીને મેં આ વાત કરી. તેમણે મને કહ્યું કે આ રીલ જોયા બાદ અહીં ઘણા લોકો ગરબો લેવા આવી રહ્યા છે. દશેરાના દિવસે લગબગ ૧૫૦૦ જેટલા ગરબા મંદિરમાં પધરાવવામાં આવ્યા હતા. એમાંથી અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલા ગરબા લોકો આવીને લઈ ગયા છે. મેં પણ ૪ ગરબા લીધા છે. એમાંથી એક ગરબો હું મારી ફ્રેન્ડને મનીપ્લાન્ટ રોપીને આપવાની છું. બીજો મેં ઘરમાં મનીપ્લાન્ટ રોપીને મૂક્યો છે. ત્રીજા ગરબાને હું દિવાળીમાં વાપરીશ જેમાં દીવો મૂકીશ. ચોથા ગરબામાં મેં ઍલેક્સા મૂક્યું છે જેમાં હું ભગવાનનાં ગીતો મૂકીને સાંભળું છું.’


