સોમૈયા કૉલેજમાં ઍડ્મિશન લીધા પછી ઘરે આવું છું એવો ફોન આવ્યો ત્યાર બાદ પ્રિયલ સોની લાપતા, ફોન પણ બંધ
પ્રિયલ સોની
અંબરનાથ-વેસ્ટમાં રહેતા હિરેન સોની તેમની દીકરી સાથે પાંચ દિવસ પહેલાં તેનું બારમા ધોરણની કૉલેજનું લીવિંગ સર્ટિફિકેટ લઈ આવ્યા હતા. આ સર્ટિફિકેટ લઈને તેમની ૧૭ વર્ષની દીકરી પ્રિયલ સોની વિદ્યાવિહારમાં આવેલી નવી કૉલેજમાં ઍડ્મિશન લેવા ગઈ હતી. ત્યાં તેણે સર્ટિફિકેટ આપીને પાછી ઘરે આવી રહી હોવાની પપ્પા સાથે વાત કરી હતી, પરંતુ ત્યાર બાદ મોડે સુધી તે ઘરે ન આવતાં ફોન કરીને તપાસ કરતાં તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. ત્યાર બાદ પ્રિયલની કોઈ માહિતી મળી રહી ન હોવાથી પરિવારે કલ્યાણ રેલવે-પોલીસમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને તેની શોધખોળ કરી રહી છે.
કચ્છના બાભડાઈ ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના હિરેન સોની અંબરનાથમાં કરિયાણાની દુકાન ધરાવે છે. તેઓ પત્ની અને સિનિયર સિટિઝન પેરન્ટ્સ સહિત ૧૦ વર્ષના પુત્ર અને ૧૭ વર્ષની પુત્રી સાથે રહે છે. હિરેન સોનીનાં પત્ની ભાવના સોનીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પ્રિયલને બારમા ધોરણમાં ૬૬ ટકા આવ્યા હતા. તેને Bcom કરીને MBA થવું છે. અંબરનાથની કૉલેજમાંથી તેણે બારમું ધોરણ કર્યું છે અને વિદ્યાવિહારની સોમૈયા કૉલેજમાં તેરમા ધોરણમાં ઍડ્મિશન લીધું છે. ૧૮ જૂને સવારે નવ વાગ્યે પ્રિયલ અને તેના પપ્પાએ અંબરનાથની કૉલેજમાંથી લીવિંગ સર્ટિફિકેટ લીધું હતું. ત્યાં જ તેમને ૧૨ વાગ્યા હતા. ત્યાંથી લીવિંગ સર્ટિફિકેટ લઈને તેના પપ્પાએ તેને અંબરનાથથી વિદ્યાવિહાર જવા ટિકિટ કઢાવી આપી હતી. એટલે વિદ્યાવિહાર જઈને તેણે તેરમા ધોરણમાં ઍડ્મિશનની પ્રક્રિયા કરી હતી. ત્યાર બાદ બપોરે તેની પપ્પા સાથે ફોન પર વાત થઈ અને સાંજે પણ થઈ. તેણે કહ્યું કે હું ઘરે આવવા નીકળી છું. છેલ્લે સાતેક વાગ્યે વાત થઈ હતી. એ પછી લાંબા સમય સુધી તે ઘરે નહોતી આવી અને તેનો ફોન પણ સતત બંધ જ આવી રહ્યો છે. મોબાઇલ બંધ હોવાથી તેનું લોકેશન પણ મળી રહ્યું નથી. પ્રિયલ ખૂબ ઓછું બોલતી અને શાંત સ્વભાવની છે. તેના બધા મિત્રોનો સંપર્ક કરી જોયો અને જ્યાં શક્ય હોય ત્યાં બધે જ તપાસ કરી લીધી, પણ કંઈ માહિતી મળી રહી ન હોવાથી અમે બધા ખૂબ ચિંતામાં છીએ. પોલીસ સાથે પરિવારજનો પણ બધે તપાસ કરી રહ્યા છે.’


