Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્વસ્થ -નીરોગી હોવા છતાં ૮૫ વર્ષનાં પ્રભાવતી મામણિયાએ લીધો સંથારાનો મહાન નિર્ણય

સ્વસ્થ -નીરોગી હોવા છતાં ૮૫ વર્ષનાં પ્રભાવતી મામણિયાએ લીધો સંથારાનો મહાન નિર્ણય

Published : 17 June, 2026 09:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રી અરિહંત પરમાત્મા તેમના આત્માને ઉત્તમ સમાધિ, શાંતિ અને કલ્યાણના માર્ગે અવિરત પ્રગતિ પ્રદાન કરે એવી અમારા સમગ્ર પરિવાર અને કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની મંગલ ભાવના છે

ગઈ કાલે સાંજના નીકળેલી પ્રભાવતી મામણિયાની પાલખીયાત્રા.

ગઈ કાલે સાંજના નીકળેલી પ્રભાવતી મામણિયાની પાલખીયાત્રા.


ભાયખલાનાં ૮૫ વર્ષનાં પ્રભાવતી ઠાકરશી મામણિયાએ ૪૫ દિવસ પહેલાં સમતાભાવથી તંદુરસ્ત અને નીરોગી હોવા છતાં સંથારા (અનશન)નો નિર્ણય લીધો હતો. ઘણા લાંબા સમયથી તેમની એક અદમ્ય આંતરિક ભાવના હતી કે જીવનમાં હજી સુધી માસખમણ (૩૦ સળંગ ઉપવાસ) કરવાની આરાધના થઈ નથી. જોકે તેમના પુણ્યોદયે સંથારા દરમ્યાન જ તેમને દોઢું માસખમણ (૪૫ દિવસના ઉપવાસ) પૂરા કરવાનો અલૌકિક લાભ પ્રાપ્ત થતાં એ તેમના તપમય જીવનની એક અતિ દુર્લભ અને પ્રેરણાદાયી સિદ્ધિ બની હતી. ગઈ કાલે બપારે ૩.૩૦ વાગ્યે ભાયખલાના તેમના નિવાસસ્થાનેથી જય જય નંદા, જય જય ભદ્દાના નારા સાથે નીકળેલી પ્રભાવતી મામણિયાની પાલખીયાત્રામાં સેંકડો લોકોએ હાજરી આપી હતી. 



પ્રભાવતી મામણિયા.


૩૬ વર્ષથી તપસાધનામાં જીવન સમર્પિત 

મૂળ કચ્છના રામણિયા ગામનાં પ્રભાવતી મામણિયાના સંથારા અને તપમય જીવનના સંદર્ભમાં માહિતી આપતાં તેમના મોટા પુત્ર ભરત મામણિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં માતુશ્રીએ ૪૫ દિવસ પહેલાં ગુરુભગવંતોની પવિત્ર પ્રેરણાથી સમતા અને સમાધિભાવપૂર્વક સંથારો (સલ્લેખના) અંગીકાર કર્યો હતો. તેમણે છેલ્લાં ૩૬ વર્ષથી સતત ધાર્મિક પ્રવૃત્તિઓમાં તત્પર રહીને જૈનશાસનની આરાધના, તપ અને સાધનામાં જીવન સમર્પિત કર્યું હતું. તંદુરસ્ત અને નીરોગી હોવા છતાં વૈરાગ્ય તથા સમતાભાવથી તેમણે સંથારાનો ભાવ ધારણ કર્યો હતો, જે જૈન પરંપરાના ઉચ્ચ આદર્શોને ઉજાગર કરે છે. તેમને તેમના જીવન દરમ્યાન અનેક સળંગ વર્ષી તપ, સહસ્રફુટ તપ (એકાંતર ૧૦૨૪ દિવસ), ૪૭ દિવસનું ઉપધાન તપ, ગૌતમલબ્ધિ તપ, કંઠાભરણ તપ, કલ્યાણ તપ, શત્રુંજયની ૩૦થી વધુ વખત ઉપવાસ સાથે છ ગાઉ યાત્રા, બે વખત શત્રુંજયની ૯૯ યાત્રા જેવાં અગણિત તપો અને યાત્રાપ્રવાસો કર્યાં છે.’


જીવન અન્યો માટે પ્રેરણામય

તેમનાં મમ્મીના જીવનની વધુ‌ માહિતી આપતાં ભરત મામણિયાએ કહ્યું હતું કે ‘માતુશ્રીનું સમગ્ર જીવન ત્યાગ, તપ, આરાધના અને સમતાભાવનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. તેમના આ પવિત્ર સંકલ્પથી જૈન સમાજમાં વૈરાગ્ય, સાધના અને સમાધિમરણના આદર્શો પ્રત્યે નવી પ્રેરણા પ્રસરી રહી છે. શ્રી અરિહંત પરમાત્મા તેમના આત્માને ઉત્તમ સમાધિ, શાંતિ અને કલ્યાણના માર્ગે અવિરત પ્રગતિ પ્રદાન કરે એવી અમારા સમગ્ર પરિવાર અને કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની મંગલ ભાવના છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK