ડૉક્ટર પ્રવીણચંદ્ર પારેખને કોઈ ગંભીર બીમારી હતી જેને લીધે તેઓ ખૂબ પરેશાન રહેતા હતા
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં વલ્લભબાગ લેનમાં પારસધામની સામે આવેલી કૃષ્ણ કુંજ બિલ્ડિંગમાં રહેતા ૮૫ વર્ષના ગુજરાતી ડૉક્ટર પ્રવીણચંદ્ર પારેખનો મૃતદેહ ગઈ કાલે સાંજે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ઘાટકોપરના પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા ડૉ. પ્રવીણચંદ્ર પારેખે ઘરમાં જ નાયલૉનની દોરીનો ગળાફાંસો બાંધીને આત્મહત્યા કરી હોવાની માહિતી અમને સાંજે સાત વાગ્યે મળી હતી. અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચીને ડૉક્ટરના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલ મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે જીવ ગુમાવનારા ડૉક્ટરનો પુત્ર પણ ડૉક્ટર છે. સવારે ૧૦ વાગ્યે બધા કામે ગયા હતા. સાંજે ૭ વાગ્યે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે પિતાને લટકેલી હાલતમાં જોયા હતા. ડૉક્ટર પ્રવીણચંદ્ર પારેખને કોઈ ગંભીર બીમારી હતી જેને લીધે તેઓ ખૂબ પરેશાન રહેતા હતા એટલે તેમણે આ પગલું ભર્યું હોવાનું તેમના પરિવારે કહ્યું છે. અમે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.’

