સરકાર, મીડિયા, પોલીસ, બૅન્કો વારંવાર જનતાને જાગ્રત કરી રહ્યાં છે એ છતાંય...ડિજિટલ અરેસ્ટના સ્કૅમમાં હજી પણ સર્વસ્વ ગુમાવી રહ્યા છે લોકો.
પ્રતીકાત્મક તસવીર
લેટેસ્ટ કેસ ૮૦ વર્ષની એક વ્યક્તિનો છે જેને બે-ચાર નહીં પણ ૨૦ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવી, જેમાં તેને જબરદસ્ત ડરાવીને જીવનભરની કમાણી જેવા ૧ કરોડ ૬૮ લાખ રૂપિયા પડાવી લેવાયા
ગ્રાન્ટ રોડમાં રહેતા મર્ચન્ટ નેવીના ૮૦ વર્ષના નિવૃત્ત રેડિયો એન્જિનિયરને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવીને સાઇબર ગઠિયાઓએ ૧,૬૮,૦૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે સાઉથ સાઇબર પોલીસે અજાણ્યા સાઇબર ગઠિયાઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સાઇબર ગઠિયાઓએ પોતાની ઓળખ CBI, ED અને બૅન્ગલોર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપીને આ સિનિયર સિટિઝનને આશરે ૨૦ દિવસ સુધી ડિજિટલ કેદમાં રાખ્યા હતા. આ નકલી અધિકારીઓએ વૃદ્ધના મનમાં આતંકવાદી કનેક્શન અને મની-લૉન્ડરિંગનો એવો ડર દેખાડ્યો કે વૃદ્ધે વેરિફિકેશનના નામે પોતાની જિંદગીભરની જમાપૂંજી ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
ADVERTISEMENT
શું હતો ઘટનાક્રમ?
ગ્રાન્ટ રોડમાં રહેતા અને મર્ચન્ટ નેવીમાં ૩૦ વર્ષ સુધી રેડિયો એન્જિનિયર તરીકે કામ કરીને ૨૦૦૧માં નિવૃત્ત થયેલા ૮૦ વર્ષના સિનિયર સિટિઝનને ૨૩ માર્ચે બૅન્ગલોરના અશોકનગર પોલીસ-સ્ટેશનના શિવા પ્રસાદના નામે ફોન કરીને સાઇબર ગઠિયાએ કહ્યું હતું કે અમે એક આંતકવાદી પકડ્યો છે અને તેની પાસેથી અમને તમારા નામનું ડેબિટ કાર્ડ મળ્યું છે.
ત્યાર બાદ આ કેસ હાઈ-પ્રોફાઇલ હોવાનું કહીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ઑફિસર નવજોત સિમી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)નાં અધિકારી નિકિતા પંત તરીકે ઓળખાવીને બે મહિલાઓએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.
સલાકત ખાન નામના આતંકવાદીએ તમારી માહિતી આપી છે, તમારા અકાઉન્ટમાંથી મોટા પાયે આતંકવાદી ફન્ડિંગ અને મની-લૉન્ડરિંગ થયું છે એમ કહીને બન્ને મહિલાએ ફરિયાદીમાં મનમાં ભય પેદા કર્યો હતો.
ફરિયાદીના મનમાં ડર પેદા કરવા માટે સાઇબર ઠગોએ ખાખી વરદી પહેરીને વિડિયો-કૉલ કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટના નામે નકલી અરેસ્ટ વૉરન્ટ અને ફ્રીઝ વૉરન્ટ બતાવીને વૃદ્ધને ઘરમાં જ કેદ રહેવા અને આના વિશે કોઈ સગાંસંબંધીને ન જણાવવા દબાણ કર્યું હતું.
જો તપાસમાં સહકાર નહીં આપો તો તમારાં બાળકોની ધરપકડ કરવામાં આવશે અને તેમનાં તમામ બૅન્ક-ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવશે એવી ધમકી આપીને વૃદ્ધ પર પ્રચંડ દબાણ આણવામાં આવ્યું હતું. આમ તેમને ૨૦ દિવસથી વધારે ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા.
નકલી CBI અને ED અધિકારીઓએ કેસમાંથી બહાર નીકળવા માટે વેરિફિકેશનના નામે પીડિતને તેમની બૅન્કની FD, PPF અને શૅર માર્કેટ-મ્યુચ્યુઅલ ફન્ડ જેવાં તમામ રોકાણના રૂપિયા કોર્ટના ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું. આ પૈસા તપાસ બાદ વ્યાજ સાથે પાછા મળશે એવું આશ્વાસન આપ્યું હતું.
પોતાની અને સંતાનોની ધરપકડના ડરથી ફરિયાદી વૃદ્ધે પોતાનાં ત્રણ અલગ-અલગ ખાતાંઓમાંથી ૨૩ માર્ચથી ૧૩ મે દરમ્યાન કુલ ૧,૬૮,૦૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. આટલી રકમ આપ્યા પછી ફરિયાદીએ તેમના એક સંબંધીને આ સમગ્ર ઘટના જણાવી ત્યારે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.
