બધાં જ બોર્ડની સ્કૂલો અને સેલ્ફ-ફાઇનૅન્સ્ડ સ્કૂલોએ ફરજિયાત મરાઠી ભાષાનો વિષય ભણાવવો જ પડશે, જૂનમાં શરૂ થશે ચેકિંગ
પ્રતીકાત્મક તસવીર
બધી જ સ્કૂલોમાં મરાઠી ભાષા ફરજિયાત શીખવવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારે બહાર પાડ્યા બાદ એની અમલબજાવણી થાય છે કે નહીં એની ખાતરી કરવા માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે તૈયારી કરી લીધી છે. સેલ્ફ-ફાઇનૅન્સ્ડ હોય એવી સ્કૂલો ઉપરાંત તમામ બોર્ડની સ્કૂલોમાં મરાઠી ફરજિયાતપણે ભણાવવાના આદેશનું પાલન કરાવવા શિક્ષણ વિભાગે કમર કસી છે. જે સ્કૂલો આ આદેશનું ઉલ્લંઘન કરતી જણાશે એણે એક લાખ રૂપિયાનો ભારે દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.
આ વિશે વધુ માહિતી આપતાં મુંબઈ-વેસ્ટના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંજય જાવીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂનમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારથી જ અમે સ્કૂલોને નોટિસ મોકલી દઈશું. ત્યાર બાદ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો સ્કૂલ્સનું ઇન્સ્પેક્શન કરશે અને મરાઠી ભણાવવાના આદેશનું પાલન થાય છે કે નહીં એની ખાતરી કરશે.’
ADVERTISEMENT
અગાઉથી જ ફરજિયાત મરાઠી ભણાવવાનો આદેશ આપ્યા બાદ દરેક સ્કૂલે રાજ્ય સરકારે નક્કી કરેલી લાયકાત ધરાવતા મરાઠી ટીચર નિયુક્ત કરવાની સૂચના પણ એપ્રિલ મહિનામાં આપવામાં આવી છે.
...તો સ્કૂલની માન્યતા પણ રદ થઈ શકે
આદેશનું પાલન ન કરનારી સ્કૂલને રાજ્ય સરકાર એક લાખ રૂપિયાનો દંડ ફટકારશે. શૈક્ષણિક વર્ષના પહેલા બે મહિનામાં થનારા ઇન્સ્પેક્શન દરમ્યાન આ આદેશનું ઉલ્લંઘન કરનારી સ્કૂલોને નોટિસ ફટકારીને સ્પષ્ટતા માગવામાં આવશે અને જો સ્પષ્ટતા સંતોષકારક ન જણાય તો સ્કૂલને સરકારે આપેલી માન્યતા પણ રદ થઈ શકે છે.
- અદિતિ અલૂરકર
