શ્રી રાયધણજર જૈન મહાજન અને શ્રી રાયણધણજર સેવા મંડળ દ્વારા રવિવારે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં બની દુખદ ઘટના
સ્નેહમિલન કાર્યક્રમમાં મન મૂકીને નાચી રહેલા શૈલેષ ગડાનો વાઇરલ વિડિયો.
દાદર-વેસ્ટની હાલારી વાડીમાં રવિવારે શ્રી રાયધણજર જૈન મહાજન અને શ્રી રાયણધણજર સેવા મંડળ દ્વારા આયોજિત એક સ્નેહમિલન કાર્યક્રમમાં ડોમ્બિવલી-ઈસ્ટના નવનીતનગરમાં રહેતા દાદરના રેડીમેડ ગાર્મેન્ટ્સના ૪૬ વર્ષના વેપારી શૈલેષ ગડાને અચાનક હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા. આ અણધારી ઘટનાથી ખુશીઓથી છલકાતો આ કાર્યક્રમમાં પળભરમાં શોકમાં ફેરવાઈ ગયો હતો. આ કાર્યક્રમ કચ્છના અબડાસા તાલુકામાં આવેલા ૨૩૬ વર્ષ જૂના પ્રાચીન રાયધણજર તીર્થના આદિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે યોજવામાં આવ્યો હતો.
આ બાબતની માહિતી આપતાં મહાજનના ટ્રસ્ટી અને શૈલેષના મોટા ભાઈ દિનેશ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાજન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, કાર્યકરો અને પરિવારના સભ્યો સવારથી જ ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા. દિવસભરના વિવિધ કાર્યક્રમો બાદ સાંજના શૈલેષ ગડા સહિત સૌએ ગીતસંગીતના સથવારે આનંદપૂર્વક રાસગરબા અને ડાન્સની મજા માણી હતી. જોકે કાર્યક્રમ પૂરો થાય એ પહેલાં જ અચાનક શૈલેષે તેની સાથે ઝૂમી રહેલા તેના મિત્રોને છાતીના દુખાવાની ફરિયાદ કરી હતી. આ અગાઉ શૈલેષે ક્યારેય તેના સ્વાસ્થ્ય બાબતની ફરિયાદ કરી નહોતી. તેના મિત્રોએ તરત જ નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવા મગાવી હતી. દવાના પહેલા ડોઝ પછી થોડી વારમાં જ શૈલેષના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં હતાં. અમે તરત જ તેને કિંગ્સ સર્કલની કીકાભાઈ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યાંના ડૉક્ટરોએ થોડી વારમાં જ તેને મૃત જાહેર કર્યો હતો. આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે ડોમ્બિવલીમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ એમાં હાજરી આપી હતી.’
