ગંભીર રીતે દાઝી ગયેલા પાંચમાંથી ૪ જણે જીવ ગુમાવ્યો, બેની હાલત હજી ગંભીર
શિવાની ગાંધી
કાંદિવલીની અનેક મહિલાઓને રોજગાર આપનારા ગૃહઉદ્યોગનાં ઓનર શિવાની ગાંધી સોમવારે જીવન સામેનો જંગ હારી ગયાં હતાં. કાંદિવલીની રામ કિશન મેસ્ત્રી દુકાનમાં ચાલતા ગૃહઉદ્યોગના રસોડામાં ગૅસનું સિલિન્ડર ફાટતાં ૭ લોકો ગંભીર રીતે દાઝ્યા હતાં. પાંચ લોકોનાં શરીર ૭૦ ટકાથી વધુ દાઝી ગયાં હતાં, જેમાંથી ૪ લોકોએ સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. બે ઈજાગ્રસ્તની તબિયત હજી પણ નાજુક છે. ૪૦ ટકા દાઝેલા માનારામ કુમાવતની સારવાર ઐરોલીની હૉસ્પિટલમાં ચાલી રહી છે. તેમની સ્થિતિ સુધારા પર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.
૭૦ ટકા દાઝી ગયેલાં ૩૯ વર્ષનાં જાનકી ગુપ્તાની સારવાર ઐરોલીની હૉસ્પિટલમાં ચાલી રહી છે. ૯૦ ટકા દાઝી ગયેલી ૩૦ વર્ષની દુર્ગા ગુપ્તાની હાલત હજી ગંભીર છે. તેની સારવાર કસ્તુરબા હૉસ્પિટલમાં ચાલી રહી છે. શિવાની ગાંધી ઉપરાંત રક્ષા જોશી, નીતુ ગુપ્તા અને પૂનમ ગુપ્તાએ સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો હતો.
શિવાની ગાંધી અને દુકાનમાલિક સામે બેદરકારીનો ગુનો નોંધાયો
ADVERTISEMENT
ગૃહઉદ્યોગ ચલાવતાં અને આગ લાગી એ દુકાન ભાડા પર લેનાર શિવાની ગાંધી તથા દુકાનના માલિક યોગેન્દ્ર મિસ્ત્રી વિરુદ્ધ બેદરકારી દાખવવાના ગુના હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે ત્યાં કામ કરતી એક વ્યક્તિને ગૅસ લીક થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેણે ગૅસનું સિલિન્ડર પાણીના ડ્રમમાં મૂકીને દુકાન બંધ કરી દીધી હતી. થોડી વાર રહીને જ્યારે દુકાન પર પાછા આવ્યા અને જેવી લાઇટ કરી કે તરત જ વિસ્ફોટ થયો હતો અને આગ ફેલાઈ હતી. ખરેખર તો ગૅસનું સિલિન્ડર ફાટ્યું નહોતું.’ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નો અને ફાયર વિભાગનો રિપોર્ટ આવ્યા બાદ આ કેસની વધુ તપાસ કરવામાં આવશે.


