પોલીસે કૉન્સ્ટબેલ વિજય સાળુંખેના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પોલીસની તપાસથી ભલભલા ત્રાસી જાય છે, પણ પત્નીની તપાસથી કંટાળીને મુંબઈના ૩૮ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલ વિજય સાળુંખેએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ શાહૂનગર પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલો કૉન્સ્ટેબલ વિજય સાળુંખે શુક્રવારે નાઇટ-ડ્યુટી પૂરી કરીને ગઈ કાલે સવારે તેના સાયનમાં આવેલા પ્રતીક્ષાનગર ખાતેના ઘરે ગયો હતો. ઘરમાં કોઈ નહોતું ત્યારે વિજય સાળુંખેએ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. થોડી વાર પછી પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે તેમણે વિજયને પંખા સાથે લટકેલો જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વિજયના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ઘરની તપાસમાં પોલીસને એક સુસાઇડ-નોટ મળી હતી, જેમાં જીવ ગુમાવનારા વિજય સાળુંખેએ લખ્યું હતું કે પત્નીની વારંવારની તપાસથી કંટાળીને આ પગલું ભરું છું. પોલીસે કૉન્સ્ટબેલ વિજય સાળુંખેના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

