મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનરનો ભોગ લેવાયો
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં બે જણનાં મૃત્યુ થયાં હતાં. અકસ્માતને પગલે બે કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મિસિંગ લિન્ક નજીક શુક્રવારે સાંજે ૩ ટ્રક એકબીજા સાથે અથડાતાં થયેલા અકસ્માતમાં બે જણનાં મૃત્યુ થયાં હતાં. એક ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય બે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને ઈજા થઈ હતી. અકસ્માતને કારણે મુંબઈ તરફ આવી રહેલી લેન પર બે કલાક સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો.
મહારાષ્ટ્ર હાઇવે ટ્રાફિક-પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ તાનાજી ચિખલેએ જણાવ્યું હતું કે ‘ડ્રાઇવર અને ક્લીનરનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અકસ્માતને કારણે આખા રસ્તા પર પેઇન્ટ ઢોળાઈ ગયો હતો. બે કલાક સુધી ટ્રાફિક જૅમ રહેતાં મુંબઈ તરફ આવી રહેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા રસ્તો ક્લિયર કરવાનું કામ તરત શરૂ કરી દેવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
રાયગડના ખાલાપુરથી વાહનોની અવરજવર સાવ થંભી ગઈ હતી. રસ્તો ક્લિયર થયો ત્યાર બાદ બે કલાક પછી રાતે ૮.૪૭ વાગ્યે ટ્રાફિક ફરી શરૂ થયો હતો.
