વડા પ્રધાનની અપીલ પર દેશની સર્વોચ્ચ અદાલતે પણ લીધો મોટો નિર્ણય : દેશની સર્વોચ્ચ અદાલતમાં સોમવારે અને શુક્રવારે મોટા ભાગના કેસોની સુનાવણી વિડિયો-કૉન્ફરન્સિંગથી થશે : વકીલો અને પક્ષકારો પણ ઇચ્છે તો જાતે કોર્ટના પરિસરમાં હાજર રહેવાને બદલે ઑનલાઇન જોડાય
ફાઇલ તસવીર
ભારતની સુપ્રીમ કોર્ટે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજનીતિક સંકટ અને ફ્યુઅલની અછતની ચિંતા વચ્ચે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે નિર્ણય લીધો છે કે ગરમીની રજાઓ દરમ્યાન બેસનારી સ્પેશ્યલ બેન્ચોનું સંપૂર્ણ કામ વિડિયો-કૉન્ફરન્સિંગથી થશે. આ ઉપરાંત નવા કેસોની સુનાવણી માટે નિશ્ચિત કરવામાં આવેલા સોમવાર અને શુક્રવાર કે અન્ય જાહેર કોઈ પણ દિવસે સંપૂર્ણ સુનાવણી વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા થશે. આ બે દિવસ દરમ્યાન ન્યાયાધીશો પોતાના ઘર કે પછી જ્યાં હોય ત્યાંથી ઑનલાઇન માધ્યમથી કેસની સુનાવણી કરશે.
નવા નિર્ણય મુજબ મંગળવાર, બુધવાર અને ગુરુવારે કોર્ટનું કામ હાઇબ્રિડ મોડમાં ચાલશે. એનો મતલબ એ કે વકીલો અને પક્ષકારો જો ઇચ્છે તો ફિઝિકલી અથવા તો ઑનલાઇન એમ કોઈ પણ રીતે જોડાઈ શકે છે.
ADVERTISEMENT
કોર્ટમાં ન્યાયાધીશો અને વકીલો ઉપરાંત રજિસ્ટ્રી વિભાગમાં કામ કરતા ૫૦ ટકા કર્મચારીઓને વીકમાં બે દિવસ વર્ક ફ્રૉમ હોમ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ માટે રજિસ્ટ્રારોને વીકલી રોસ્ટર તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી કોર્ટની કામગીરી પર અસર ન પડે.
આ નિર્ણય ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે ગઈ કાલે સવારે ફુલ કોર્ટની બેઠકમાં લીધો હતો. કાચા તેલના ભાવમાં થયેલા વધારા અને ભારતની ઊર્જા-સુરક્ષા માટે વડા પ્રધાને કરેલી અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
કારપૂલિંગને પણ પ્રોત્સાહન
સુપ્રીમ કોર્ટે સુનાવણીની પ્રક્રિયામાં જ બદલાવ નથી કર્યો, પરંતુ જજોને કારપૂલિંગ માટે પ્રોત્સાહિત કર્યા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે નજીકમાં રહેતા ન્યાયાધીશો કારપૂલિંગ કરીને કોર્ટમાં પહોંચશે.
